(એજન્સી) અગરતલા, તા. ૩૦
ત્રિપુરામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય બદલ પક્ષ દ્વારા ભારે પ્રશંસા કરાઇ અને રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યાના માત્ર બે મહિનાથી પણ ઓછા સમયમાં બિપ્લબ કુમાર દેબે ભારે બફાટ કરીને પક્ષ માટે શરમજનક સ્થિતિ ઊભી કરી દીધી હોવાથી ભાજપના ઘણા નેતાઓ દ્વારા મોવડીમંડળને તેમની ફરિયાદ કરવામાં આવી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિપ્લબ કુમારને દિલ્હી બોલાવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બફાટ બદલ વડાપ્રધાન મોદી ત્રિપુરાના મુખ્યપ્રધાનને ઠપકો આપે તેવી સંભાવના છે. ભાજપના ટોચના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ બિપ્લબથી નારાજ છે અને હવે બિપ્લબના વિવાદો સર્જતી ટિપ્પણીઓનો અંત આવે તેવી સંભાવના છે. બિપ્લબને જાહેરમાં વિવાદાસ્પદ અને બેજવાબદાર નિવેદનો કરવાથી દૂર અને સતર્ક રહેવા અને પોતાના કામ પર ધ્યાન આપવાની પક્ષના ટોચના નેતાઓ દ્વારા સલાહ અપાશે.
ઓક્ટોબરમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી વર્ષગાંઠ માટે યોજાનારી ઇવેન્ટ્‌સ અંગે વડાપ્રધાન મોદી સાથે બધા મુખ્ય પ્રધાનોની યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે બિપ્લબ દેબ મંગળવારે દિલ્હી જવાના છે. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન મંત્રણા કરવા માટે બિપ્લબને અલગથી બોલાવે તેવી સંભાવના છે. આ બેઠકમાં ભાજપના પ્રમુખ અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. બિપ્લબને તેમના સીનિયર્સથી મુશ્કેલીઓનો સામને કરવો પડે તેવી સંભાવના છે. ભાજપના નેતાઓના એક જૂથે બિપ્લબના બેફામ નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો છે અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના સ્ટાર ચૂંટણી પ્રચારકોમાંથી બિપ્લબને બાકાત રાખવામાં આવી શકે છે.
બિપ્લબ દેબે કરેલી ટિપ્પણીઓથી લગભગ દરરોજ ભાજપને ભીંસમાં મુકાવું પડે છે. ભાજપના નેતાઓએ બિપ્લબને બેફામ ટિપ્પણીઓ કરતા અટકાવવા માટે વડાપ્રધાનને કહ્યું છે. બિપ્લબ ગમે ત્યારે કંઇ પણ બોલી નાખે છે. એના કારણે ભાજપના ઘણા નેતાઓ તેમનાથી નારાજ છે. ભાજપ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓની ગંભીર રીતે તૈયારીઓ કરી રહ્યો છે અને ઉત્તરપૂર્વની ૨૫માંથી ઓછામાં ઓછી ૨૧ સીટ પર ભાજપ વિજય મેળવવા માગે છે ત્યારે બિપ્લબના બેફામ નિવેદનોને કારણે પક્ષને ફટકો પડી શકે છે. બિપ્લબે મહાભારતકાળમાં ઇન્ટરનેટ હતું, ડાયના હેડનને મિસવર્લ્ડ બનાવવા સામે પ્રશ્ન કર્યો, બેરોજગારોએ સરકારી નોકરીની રાહ ન જોવી જોઇએ, પાનની દુકાન લગાવી લેવી જોઇએ, જેવા બફાટ કર્યા છે.