(એજન્સી) મુંબઈ, તા.૧પ
દેશભરમાં નાગરિકતા સુધારા કાયદા (CAA) વિરોધ ઉગ્ર બન્યો છે ત્યારે મુંબઈની શાળામાં CAA અંગે કાર્યક્રમ યોજાયા બાદ રાજ્ય દ્વારા તમામ શાળાઓને રાજકીય કે કોઈ પણ પ્રકારના વિવાદાસ્પદ કાર્યક્રમ ન યોજવાનો આદેશ આપવામાં આવ્યો છે. શાળાના શિક્ષણ વિભાગે માટુંગાના શ્રી દયાનંદ બાળક-બાલિકા વિદ્યાલય અને જુનિયર કૉલેજને કારણ દર્શાવો નોટિસ જારી કરવામાં આવી છે. શાળા દ્વારા વિભાગને આ પ્રકારના કાર્યક્રમ યોજવા અંગે જાણ ન કરાઈ હોવાથી નોટિસ મોકલવામાં આવી છે. જો કે, શાળાએ આવા કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરાયું હોવાનું જણાવ્યું છે.
શાળા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, તેના દ્વારા સામાન્ય જાગૃતતા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ પોતાની જાતે આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. નોંધનીય છે કે, શાળાના ટ્રસ્ટી સુમિતા સિંહ એક ભાજપા કાર્યકર્તા છે. શાળાના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે શનિવારે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા હતા. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ સ્કૂલ એજ્યુકેશન રાજેન્દ્ર આહિરે જણાવ્યું કે, તેમણે શાળાને નોટિસ મોકલીને સોમવાર સુધીમાં જવાબ આપવાનું જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, શાળાએ વિભાગ પાસેથી કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી લીધી નહોતી. જો કે, સુમિતાએ દાવો કર્યો હતો કે, કાર્યક્રમનું રાજકીયકરણ કરવામાં આવી રહ્યું છે. અમે માત્ર આ કાયદા અંગે જાગૃતતા ફેલાવી રહ્યાં હતાં. આ કાર્યક્રમ સામાન્ય લોકો માટે યોજાનાર હતો અને અમારા વિદ્યાર્થીઓ પણ તેમાં સામેલ થયાં હતાં, કારણ કે આ કાર્યક્રમ શાળાની નજીકમાં યોજાયો હતો.”