(એજન્સી) તા.૮
મુથુવેલ કરુણાનિધિએ આજથી ૮ દાયકા પૂર્વે પોતાની પ્રથમ રાજકીય કારકિર્દી શરુ કરી હતી. તેઓ ૬ દાયકા પૂર્વે એટલે કે ૧૯૫૭માંં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને પાંચ દાયકા પૂર્વે એટલે કે ૧૯૭૯માં મુખ્ય પ્રધાન બન્યા હતા. કહેવાની જરુર નથી કે દ્રાવિડ મુન્નેત્ર કઝગમના (ડીએમકે) આ નેતાની સમૃદ્ધ રાજકીય કારકિર્દી હતી.
ગઈકાલે સાંજે અંતિમ શ્વાસ લેનાર કરુણાનિધિનું જો કોઇ એક માત્ર પ્રદાન ભારતના રાજકારણમાં હોય તો તે એ છે કે તેમણે ભારતીય લોકશાહીના મૂળ એટલા ઊંડા કર્યા હતા કે તે ખરા અર્થમાં ભારતની પ્રાદેશિક, ભાષાકીય અને સામાજિક વિવિધતાના પ્રતિકસમાન અને ખરા અર્થમાં સમાવેશક હતા. કરુણાનિધિ એવા મુખ્ય રાજકીય ખેલાડીઓમાંના એક હતા કે જેમણે ભારતીય લોકતંત્ર દક્ષિણના અવાજને સાંભળે એવું સુનિશ્ચિત કર્યુ હતું.
કરુણાનિધિએ ભારતીય રાષ્ટ્ર ભાષાકીય વૈવિધ્યનો આદર કરે એ સુનિશ્ચિત કર્યું હતું. તેમણે સુનિશ્ચિત કર્યુ હતું કે ભારતીય સંઘવાદ રાજ્યોનો આદર કરશે અને રાજ્યો માટે વધુ સત્તાઓની આગલે મોરચે રહીને હિમાયત કરશે. કરુણાનિધિ જેવા નેતાઓને કારણે તામિલનાડુમાં ઉદામવાદી સકારાત્મક પગલાં કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. તામિલનાડુમાં ઉદામવાદી સામાજિક કલ્યાણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. કલ્યાણ કાર્યક્રમોનું સંસ્થાકરણ કરવામાં તેમની ભૂમિકા નોંધપાત્ર હતી.
ભારતીય સંઘીય વ્યવસ્થામાં પ્રથમ બે દાયકામાં જોવા મળ્યું હતું કે કોંગ્રેસ પક્ષનું કેન્દ્ર અને તમામ રાજ્યોમાં શાસન હતું. ખરો વળાંક ૧૯૬૭માં આવ્યો હતો કે જ્યારે ઉત્તર ભારતમાં કોંગ્રેસનો ચૂંટણીમાં પરાજય થયો પરંતુ વૈકલ્પિક ગઠબંધનો લાંબું ટક્યા નહીં. જ્યારે તામિલનાડુમાં ડીએમકેનો માત્ર વિજય જ થયો ન હતો પરંતુ તેને કેન્દ્ર પાસેથી વધુ સત્તા હસ્તગત કરવાનો વિશ્વાસ હતો. કરુણાનિધિએ રાજ્યને વધુ સ્વાયત્ત કઇ રીતે બનાવવા તે માટે એક સમિતિની રચના કરી હતી. તામિલનાડુ વિધાનસભા ૧૯૭૪માં રાજ્યોને સ્વાયત્તતા પસાર કરનાર દેશની પ્રથમ વિધાનસભા હતી. કરુણાનિધિએ ઇંદિરા ગાંધીના બેંકોના રાષ્ટ્રીયકરણના પગલાને સમર્થન આપ્યું હતું પરંતુ કટોકટીનો વિરોધ કર્યો હતો જેની આકરી કિંમત તેમણે ચૂકવવી પડી હતી અને તેમની સરકાર બરતરફ થઇ હતી. તેમણેે નેશનલ ફ્રન્ટ સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અન્ય પછાત વર્ગોને અનામત આપવા પર મંડલ પંચની ભલામણોનો અમલ કરવા તેમણેે વીપીસિંહ સરકારને ટેકો આપ્યો હતો.
કરુણાનિધિએ બતાવ્યુ હતું કે તમે કઇ રીતે કલ્યાણકારી બની શકો અને ગરીબો અને વંચિતોના ચેમ્પિયન કઇ રીતે બની શકો. આ ઉપરાંત એક વ્યવહારી રાજકારણી, સુધારક અને વહીવટદાર તેમજ તમિળ રાષ્ટ્રવાદી અને ભારતીય રાષ્ટ્રવાદી કઇ રીતે બની શકાય તે દેશ અને વિદેશને બતાવ્યું હતું.