(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.ર૪
ઉમલાવ ગામની રામપુરા સીમમાં રહેતાં સોમાભાઈ દેવજીભાઈ પરમારની બાજુમાં આવેલ વજેસીંગ ફુલસંગ પરમાર પોતાના ખેતરમાં ગીલોડીની વાડી કરી હતી અને આ વાડીને ફરતે લાકડાના થાંપલા રોપી તારની વાડ કરી હતી અને તારની વાડમાં વીજ કરંટ આપ્યો હતો. ગત તા.૧૦-પ-ર૦૧૮ના રોજ સોમાભાઈનો દીકરો વીરેનકુમાર રમતા રમતા વાડી તરફ ગયો હતો અને વાડીના તારને અડી જતાં તેને વીજ કરંટ લાગતાં તેની બુમો સાંભળી સોમાભાઈની માતા ગંગાબેન દોડી ગયાં હતા અને વીરેનને છોડાવવા જતાં તેઓએ વાડના તારને પકડી લેતાં તેઓને વીજ કરંટ લાગતાં ગંભીરપણે દાઝી ગયાં હતાં. આ ઘટનાને લઈને આ ઘટનાને લઈને સોમાભાઈ સહિતના લોકો ઘટના સ્થળે દોડી ગયાં હતાં. અને ગંભીર પણે દાઝી ગયેલા ગંગાબેનને ત્વરીત સારવાર માટે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડતાં જયાં તેઓનું મોત નીપજયું હતું. વસેસીંગ પરમારે પોતાના રહેણાંક મકાનના વીજ જોડાણમાંથી ગેરકાયદેસર ખેતરમાં તારની વાડમાં ઝાટકા મશીનથી ગે.કા. રીતે વીજ જોડાણ મુકયું હતુ. આ ઘટનાની જાણ થતાં મધ્ય ગુજરાત વીજ કં.લી.ના અધિકારીઓ પણ દોડી અને તેઓએ પણ તપાસ કરતાં ખેતરમાં તારની વાડમાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણ આપ્યું હોવાનું જણાવતાં આ બનાવ અંગે ભાદરણ પોલીસ સોમાભાઈ દેવજીભાઈ પરમારની ફરિયાદના આધારે વજેસીંગ ફુલસીંગ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.