(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
ભાજપના સત્તાધીશોએ અમદાવાદ શહેરની ઓળખ સમાન અને ગરીબોની જીવાદોરી એવી વી.એસ. હોસ્પિટલના ૯૦મા જન્મદિવસને જ એનો મૃત્યુ દિવસ બનાવી દીધો છે. વી.એસ. હોસ્પિટલમાંથી પલંગ ખુરશી ટેબલ, અને કવાટ અને તિજોરી સહિતનો તમામ માલસામાન શુક્રવારે ખાલી કરી દેવાયો હતો. એમ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું. અમદાવાદની વી.એસ. હોસ્પિટલના ૯૦માં સ્થાપતા દિવસે તા.૧૩ ડિસેમ્બરના રોજ હોસ્પિટલના પ્રાંગણમાં શેઠ વાડીલાલ સારાભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા. ત્યારે વી.એસ. હોસ્પિટલના ૯૦મા સ્થાપના દિવસ અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ શહેરનું સૌથી સુંદર પત્તું સત્તામાં બેઠેલ અહંકારી, પોતાના વિકાસ માટે કંઈ પણ કરવા તત્પર રહેતા સત્તાધીશોએ ફાડી નાખ્યું આ પત્તાનું નામ છે ગરીબોની જીવાદોરી, અમદાવાદ શહેરની આગવી ઓળખ તથા સરદાર સાહેબના આંખનું સ્વપ્ન શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, આજે એના ૯૦મા જન્મદિવસે એનો મૃત્યુ દિવસ બનાવી દીધો. સરદાર સાહેબની મોટી મોટી વાતો કરતા આ સત્તાધીશોએ તેમણે બનાવેલ હોસ્પિટલને તોડવાનું ફરમાન જારી કરી તેમની નિષ્ફળતા અને ક્રુરતાનો પરિચય આપી દીધો. અમદાવાદ મ્યુનિ. કોર્પો. ભાજપાના શાસકોએ અમદાવાદના ૬પ લાખ નાગરિકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. ભાજપના સત્તાધીશોએ વી.એસ. હોસ્પિટલના પરિસરમાં નવી હોસ્પિટલ શરૂ કરી ત્યારે વાયદો કર્યો હતો કે જુની વી.એસ. હોસ્પિટલમાં પ૦૦ બેડ કાર્યરત રાખશે. આ અંગે ચેરિટી કમિશનરની કચેરી અને ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે છતાં ભાજપના સત્તાધીશોએ ગરીબોની જીવાદોરી એવી જૂની વી.એસ. હોસ્પિટલનું શટર પાડી દીધું છે.