(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
ગુજરાતની પ્રજાની જીવાદોરી સમાન જૂની વી.એસ.હોસ્પિટલને તોડવાની અમદાવાદ મ્યુનિ.કોર્પો.ની કાર્યવાહી સામે આજે ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હોસ્પિટલ તોડવા મામલે વચગાળાનો સ્ટે આપ્યો છે વધુ સુનાવણી ર૦ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. ડૉક્ટર ક્વાટ્‌ર્સ સિવાય કોઈપણ જૂની બિલ્ડીંગ ન તોડવા હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, મ્યુનિ. વિરોધ પક્ષના નેતા દિનેશ શર્મા સહિત કોંગ્રેસની ટીમ અને સ્વૈચ્છિક સંગઠનો અને કાર્યકરો વી.એસ.હોસ્પિટલ બચાવવા મહિનાઓથી આંદોલન ચલાવી રહ્યા હતા અને દા.તા. ટ્રસ્ટીઓએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા જેમાં કોંગ્રેસ પક્ષ પણ પિટિશનર તરીકે જોડાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દિનેશ શર્માએ જણાવ્યું છે કે, વી.એસ.હોસ્પિટલમાં ૯૦ વર્ષથી શહેરની મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરાતી હતી પરંતુ છેલ્લા દસ મહિનાથી ભાજપના શાસકોએ વી.એસ.હોસ્પિટલને બંધ કરવાનું ષડયંત્ર શરૂ કર્યું હતું જેનો અમે સતત વિરોધ કરી રહ્યા હતા. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરતાં કહ્યું છે કે, ગુજરાતના ગરીબ તેમજ મધ્યમવર્ગીય દર્દીઓની જીવાદોરી સમાન વી.એસ.હોસ્પિટલને તોડી પાડવા મામલે હાલમાં હાઈકોર્ટે જે કામચલાઉ સ્ટે આપેલ છે તેને ગરીબ દર્દીઓ માટે એક આશાના કિરણ સમાન છે અને આગામી સમયમાં હાઈકોર્ટ ગરીબોના હિતમાં ન્યાયિક નિર્ણય આપશે. આપણી ન્યાયપ્રણાલિમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગરીબ-મધ્યમવર્ગીય દર્દીઓ પ્રત્યે હાઈકોર્ટ માનવતાભર્યો નિર્ણય લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરજદારો દ્વારા હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે આ મામલો કોર્ટને આધિન હોવા છતાં જવાબદાર અધિકારીઓ વી.એસ.ને બંધ કરવાની તૈયારીમાં હોય તેમ પ્રથમ નવા દર્દીઓનો પ્રવેશ અટકાવ્યો હતો. ત્યારબાદ વૃદ્ધ દર્દીઓને નવી એસવીપી હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોથા વર્ગના કર્મચારીઓને અને તમામ ઉપકરણો અને પેરફેરિઆના સ્થળાંતરિત કરાયા હતા. હવે તેને ગમે તે ઘડીએ તોડી પડાશે.