અમદાવાદ, તા.૧૭
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટમા દિવા તળે અંધારા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની એવી વી.એસ.હોસ્પિટલ, દાણાપીઠ ફાયર સ્ટેશન સહિતના અનેક બિલ્ડીંગો અમદાવાદ શહેરમા આવેલા છે કે જ્યાં સમારકામના અભાવે ગમે તે સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વિવિધ બ્રિજ,સરકારી અને ખાનગી ઈમારતો ઉપર સતત સાત દિવસથી પણ વધુના સમય સુધી લાઈટીંગ દ્વારા રોશનીથી ઝગમગાટ કરવામા મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોઈ પાછી પાની કે કસર બાકી રાખી ન હતી ત્યાં બીજી તરફ શહેરના એલિસબ્રિજ વિસ્તારમા આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલના બિલ્ડીંગની હાલત ખખડધજ બની જવા પામી છે.આ હોસ્પિટલનો વહીવટ બોર્ડ દ્વારા ચલાવવામા આવી રહ્યો છે જેના ચેરમેન શહેરના મેયર ગૌતમ શાહ પોતે છે.મેયરે આ અગાઉ અનેક વખત હોસ્પિટલના રાઉન્ડ લીધા છે પરંતુ હોસ્પિટલના પરીસરમા આવેલા જુના બિલ્ડીંગના સમારકામ મામલે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામા આવી નથી.એક દલીલ એવી કરવામા આવી રહી છે કે,હોસ્પિટલના પ્રાંગણમાં જ રૂપિયા ૩૩૦ કરોડથી પણ વધુના ખર્ચથી સુપરસ્પેશીયલ હોસ્પિટલ તૈયાર કરવામા આવી રહી છે પરંતુ એ અગાઉ જુના બિલ્ડીંગમા સારવાર લઈ રહેલા બે હજાર જેટલા દર્દીઓ વોર્ડમા ઉપરથી પડી રહેલા પોપડા તેમજ દીવાલોમા પડેલી તિરાડને લઈને ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.તાજેતરમા બાળકોના વોર્ડની પાછળની દીવાલ પરથી સ્લેબ તુટી પડ્યો હતો.પરંતુ આમ છતાં સત્તાવાળાના પેટનુ પાણી પણ હાલતુ નથી.મેયર અને વીએસ બોર્ડના ચેરમેન ગૌતમ શાહનુ કહેવુ છે કે,હોસ્પિટલના વિવિધ ભાગોમા જ્યા સમારકામની જરૂર છે તેની એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે.બીજી તરફ અમદાવાદ અને શહેર બહાર લોકોને બચાવવા કે અંગારકોલને લઈને સતત ફરજ પરહાજર રહેતા એવા અમદાવાદ ફાયરબ્રિગેડના દાણાપીઠ ખાતે આવેલા બિલ્ડીંગની હાલત પણ જર્જરીત બની છે પાંચકુવા ફાયર સ્ટેશનમા પણ આ જ હાલત છે.ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તૂરે એક વાતચીતમા કહ્યુ છે કે,આ બિલ્ડિંગમા રહેતા ફાયરમેનોના પરીવારોને પરીવાર સાથે અન્યત્ર ખસી જવા માટે કહેવામા આવ્યુ છે.પૂર્વ વિપક્ષનેતાએ તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યુ કે,ઉત્સવો પાછળ લખલૂંટ ખર્ચ કરતા તંત્ર અને શાસકોને તેમની માલિકીની ઈમારતોના સમારકામ માટે જ ગંભીરતા નથી એ આ શહેર અને શહેરીજનો માટે ખુબ ચિંતાજનક બાબત છે.