અમદાવાદ, તા.ર૪
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્પિટલની એક સમયે સમગ્ર રાજ્યમાં અને રાજ્ય બહારના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ભારે પ્રતિષ્ઠા હતી, જોકે લાંબા સમયથી વી.એસ. હોસ્પિટલની પ્રતિષ્ઠા એક યા બીજા કારણસર જોખમાઇ રહી છે. વી.એસ. હોસ્પિટલ દાયકાઓ જૂની હોઇ એક પ્રકારે શહેરની ઐતિહાસિક ધરોહર છે તેમ છતાં આ હોસ્પિટલ સત્તાવાળાઓની ઉપેક્ષાઓનો ભોગ બની રહી હોવાનાં ઉદાહરણ પણ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યાં છે, જેમાં છેલ્લામાં છેલ્લું ઉદાહરણ વી.એસ. હોસ્પિટલના ઓડિટોરિયમે પૂરું પાડ્યું છે.તંત્રની બેદરકારીના કારણે વર્ષોજૂના અને હવે બંધ ‘ઓડિટોરિયમનો ગોડાઉન’ તરીકે ઉપયોગમાં કરાઈ રહ્યા હોવાની આઘાતજનક વિગત પ્રકાશમાં આવી છે. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે ડિસેમ્બર-૧૯૩૧માં વી.એસ. હોસ્પિટલની સ્થાપના કરાઇ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ વર્ષ ૧૯૩૩માં વી.એસ. હોસ્પિટલની મુલાકાત લઇને ભારે પ્રભાવિત થયા હતા. વી.એસ. હોસ્પિટલ પરિસરમાં લગભગ આ જ સમયગાળામાં આ ઓડિટોરિયમ બનાવાયું છે. એક સમયે વી.એસ. હોસ્પિટલનું ઓડિટોરિયમ અનેકવિધ સેમિનાર સહિતના કાર્યક્રમોથી ગાજતું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના અનેક નામાંકિત ડોકટરોએ આ ઓડિટોરિયમમાં હાજર રહી પોતાના જ્ઞાન-કૌશલ્યથી સૌને વાકેફ કર્યા હતા. વી.એસ. મેનેજમેન્ટ બોર્ડના વિવિધ આયોજન હેતુ પણ ઓડિટોરિયમ મહત્ત્વપૂર્ણ હતું. પરંતુ હવે હોસ્પિટલ તૈયાર થઈ જતા આનો ઉપયોગ ગોડાઉન તરીકે કરાઈ રહ્યો છે.
વી.એસ. હોસ્પિટલનું ઐતિહાસિક ઓડિટોરિયમ ગોડાઉનમાં ફેરવાયું

Recent Comments