(એજન્સી) તા.૮
વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની હવાઇ મુસાફરી માટે સ્પેશિયલ તૈયાર કરાયેલા બે નવા એરક્રાફ્ટ ટૂંક સમયમાં જ ભારત આવી પહોંચશે. અમેરિકાની બોઇંગ કંપની દ્વારા આ વિમાનોને તૈયાર કરવામાં આવ્યા છે અને કંપની સપ્ટેમ્બર મહિના સુધી આ બંને વિમાનોની ડિલિવરી આપી દેશે એમ કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું હતું. વાસ્તવમાં ભારત સરકારે એર ઇન્ડિયાના બે વિમાનોમાં ફેરફાર કરીને તેને સંપૂર્ણરીતે સુરક્ષિત, તમામ પ્રકારના શસંત્ર સંરજામથી સજ્જ અને તમામ આધુનિક સુવિધાઓ ધરાવતા વિમાનો બનાવવાનું કામ બોઇંગ કંપનીને સોંપ્યું હતું. કંપનીએ આશા વ્યક્ત કરી હતી કે તે ટૂંક સમયમાં જ બી-૭૭૭ નામના બે વિમાનોની ભારત સરકારને ડિલિવરી આપી દેશે. જો કે ગત ઓક્ટોબરમાં ભારતે કહ્યું હતું કે બોઇંગ કંપની જુલાઇ સુધીમાં આ ડિલિવરી આપી દેશે પરંતુ હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોવિડ-૧૯ની મહામારીના પગલે કંપની તેના નિર્ધારિત સમયમાં આ ડિલિવરી આપી શકી નથી. આ બંને વિમાનોને એર ઇન્ડિયાના નહીં પરંતુ ભારતીય એરફોર્સના પાઇલટ દ્વારા ઉડાડવામાં આવશે અને તેમાં સેલ્ફ પ્રોટેક્શન સ્યૂટ અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની પણ સુવિધા હશે. આ વિમાન ફક્ત વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની હવાઇ મુસાફરી માટે જ ઉપયોગમાં લેવામાં આવશે. આ બંને વિમાનોની જાળવણીનું કામ એર ઇન્ડિયા હેઠળ આવતા એર ઇન્ડિયા એન્જનિયરિંગ સર્વિસ લિમિટેડ નામના જાહેર સાહસના એન્જિનિયરો દ્વારા કરવામાં આવશે. યાદ રહે કે હાલ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એર ઇન્ડિયાના બી-૭૪૭ વિમાનમાં હવાઇ મુસાફરી કરે છએ અને તેને એર ઇન્ડિયા વન એવું નામ આપવામાં આવ્યું છે.
જ્યારે બી-૭૪૭ વિમાન આ વીવીઆઇપી નેતાઓની સેવામાં ન હોય ત્યારે તે એરઇન્ડિયા દ્વારા કોમર્સિયલ ફ્લાઇટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ બોઇંગ કંપની તરફથી તૈયાર થઇને આવનારા નવા બે વિમાનો ફક્ત વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સેવામાં જ તૈનાત રહેશે. ગત ફેબ્રુઆરીમાં જ અમેરિકાએ ભારતને ૧.૯ કરોડ ડોલરમાં બે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવા સંમતિ દર્શાવી હતી.