(એજન્સી) ઈસ્લામાબાદ,તા.ર
પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહેલ ઈમરાને શપથગ્રહણ સમારંભ સહિત તમામ સરકારી કાર્યક્રમો સાદગીથી કરવાનો નિર્ણય લીધો છે અને તેથી કોઈપણ વિદેશી નેતા કે નામચીન વ્યકિતને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પી.ટી.આઈ.ના પ્રવકતા ફવાદ ચૌધરીએ જણાવ્યા મુજબ ૧૧ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિભવન કે ઐવાન-એ-સદરમાં સાદગીપૂર્ણ શપથગ્રહણ સમારંભ યોજાશે, આ કાર્યક્રમ સંપૂર્ણપણે રાષ્ટ્રીય કાર્યક્રમ અને કોઈ વિદેશી વ્યકિતત્વને આમંત્રણ નહીં આપવામાં આવે, માત્ર ઈમરાનખાનના કેટલાક નજીકના મિત્રોને જ આમંત્રણ અપાશે. તેમજ સમારંભમાં કોઈ ઉડાઉ ખર્ચ નહી થાય નોંધનીય છે કે ઈમરાનખાનના મિત્રો સિવાય અન્ય કોઈ વિદેશી મહેમાન નહીં જોડાય સમારંભમાં ઈમરાનખાન દ્વારા આમીરખાન, સુનિલ ગવાસ્કર, કપિલ દેવ અને નવજોતસિંઘ સિદ્ધુને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ મમનુન હુસૈન પોતાના કાર્યાલય ખાતે શપથ લેવડાવશે. ઈમરાન ખાનએ ચૂંટાયા બાદ વચન આપ્યું હતું કે કરદાતાઓના નાણાંનો વિવેકપૂર્ણ ઉપયોગ કરશે તેમણે વડાપ્રધાન માટેના ભવનમાં રહેવાનો પણ ઈન્કાર કર્યો છે.