(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૦
મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને લક્ષમાં લઈ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનારા VVPAT મશીનોની લમસમ ચકાસણી કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી આગામી સપ્તાહે કરશે. ઈવીએમ મશીન સાથે વીવીપેટ મશીનો લાગેલા હશે. જે મતદારોને તેમણે ક્યાં મત આપ્યો તેની પેપર સ્લીપથી ખાતરી કરાવશે. કમલનાથે અરજીમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ દરેક મત વિસ્તારના ૧૦% VVPAT મશીનોની ચકાસણી માટે ચૂંટણી પંચને સૂચના આપે. તેમજ મતદાર યાદી પુસ્તકના રૂપે મળે. જૂનમાં ચૂંટણી પંચે કહ્યું કે, તે ઈવીએમના પરિણામો સાથે દરેક પોલીંગ સ્ટેશનના પ% મતો પેપર સ્લીપ સાથે સરખાવશે. તેમ છતાં મતદાન અધિકારી ૧૪થી વધારે પસંદ કરેલા બૂથો પર ગણતરીમાં લઈ નહીં શકે. મધ્યપ્રદેશ વિધાનસભાની મુદત ર૦૧૯માં જાન્યુઆરીમાં પૂરી થાય છે. રાજ્યમાં ર૦૦૩થી ભાજપ સત્તામાં છે.