લખનૌ,તા.પ
અલ્હાબાદ હાઈકોર્ટે ઉ.પ્ર.ની યોગી સરકારને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરવા બદલ કારણ પૂછયું છે. હાઈકોર્ટે પૂછયું છે કે, કયાં કારણે તમે આ પ્રક્રિયાને ઉ.પ્ર. ઓર્ગેનાઈઝેશન એકટ હેઠળ આવરી લીધી હતી. હાઈકોર્ટે ભૂતકાળમાં જિલ્લાઓના નામો બદલવા માટે પણ ખુલાસો માંગ્યો છે.
આ પહેલા હાઈકોર્ટની બેંચ સમક્ષ સરકારે રજૂઆત કરી હતી કે અમે પવિત્ર શહેરનું નામ બદલવા માટે બધા કાયદાઓ અને નિયમોનો અમલ કર્યો છે. એમણે દલીલ કરી કે અમે નામ બદલ્યું નથી. પણ જૂના નામની પુનઃસ્થાપના કરી છે. જે નામને મોગલ શાસકોએ બદલીને અલ્હાબાદ રાખ્યું હતું. ભાજપના એક મંત્રીએ પણ કહ્યું હતું કે ભાજપ અકબરની ભૂલ સુધારી રહી છે. ર૬મી ઓકટોબરે વકીલ સુનિતા શર્માએ આ મુદ્દે જાહેર હિત અરજી દાખલ કરી હતી. એમણે નામ બદલવાના સરકારના પરિપત્રને પડકાર્યો હતો. અરજીમાં મુખ્યમંત્રી અને વિકાસ મંત્રી સુરેશ ખન્નાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે, અન્ય પક્ષકારો તરીકે રાજયના અન્ય અધિકારીઓ છે.
સુનિતા શર્માએ રજૂઆત કરી છે કે સેંકડો વર્ષથી ચાલી આવતા અલ્હાબાદનું નામ બદલવું એ ન તો રાજય સરકારના હિતમાં છે ન તો દેશના લોકોના હિતમાં છે. અરજદારે અરજીમાં બીજો વાંધો ર૦૧૯ના કુંભ માટે ઉંઠાવ્યો છે. એમના માટે સરકારે ખોટી રીતે આ મેળાનું નામ કુંભ આપ્યું છે. આ પહેલા કુંભ ર૦૧૩મા યોજાયો હતો. જેથી ર૦૧૯નો મેળો અર્ધકુંભ છે જેથી આટલા મોટા ધાર્મિક ઉત્સવનું નામ બદલવું વ્યાજબી નથી.