(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
શહેરના ડિંડોલી ખાતે રહેતા અને રેડીમેડ કાપડના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ વ્યાજે લીધેલા બાકીરૂા.૩૦ હજારના બદલામાં રૂપિયા ૪૦ લાખની માંગણી કરનાર બે વ્યાજખોર વિરુધ્ધ વેપારીએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ડુંભાલ મોડલ ટાઉન રોડ ખોડિયાર નગરમાં રહેતા અને રેડીમેડ કપડાનો વેપાર કરતાં કેનેડી બાબુભાઈ પરમારે આરોપી મનોજ ઉર્ફે માયાભાઈ મરાઠી (રહે. ઉધના), બ્રિજેશ માછી (રહે. નાનપુરા, માછીવાડ) વિરુદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી પોતાના ઘર પાસે ઊભા હતા. ત્યારે ઈનોવા ગાડીમાં ધસી આવેલા બન્ને આરોપીએ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેથી ફરિયાદીએ મારી પાસે રૂપિયા નથી. એમ કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી કેનેડી બાબુ પરમારે આરોપી પાસેથી રૂા.૫૦ હજાર વ્યાજે લીધી હતી. જેમાંથી ૨૨ હજાર પરત આપી દીધા હતા. તેમ છતાં રૂપિયા ૪૦ લાખની માંગ કરી ધમકી આપતા વેપારીએ પુણા પોલીસ મથકે વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.