વાપી, તા.૨૫
વાપીમાં વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થયેલા બે વ્યક્તિઓએ વાપીના જીઆઈડીસી અને ટાઉન એમ બન્ને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે મળતી વિગતો મુજબ વાપીમાં સુથારી કામ કરીને ગુજરાન ચલાવતા મનીષ કુમાર ભગવાનભાઇ સુથારે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે કે, વર્ષ ૨૦૧૭માં માસ હાર્ડવેર એન્ડ પ્લાયવુડના માલિક પાસેથી સુથારી કામના મટીરિયલ્સની જરૂરિયાત માટે વ્યાજ પેટે રૂપિયા ૧૦ લાખ જેટલી રકમ લીધી હતી. જેના વ્યાજ પેટે નીકળતી રકમ માટે આ શખ્સો વારંવાર ધાકધમકી આપતા હોવાનું અરજીમાં ઉલ્લેખ કર્યો છે. મનીષકુમાર સુથારે વાપીના સુખરામ મૂળારામ સુથાર પાસેથી ૨ ટકા વ્યાજે રૂપિયા ૧૦ લાખની માંગ કરી હતી. જે અંગે સુખારામે મનીષકુમારને સાત લાખ રૂપિયા આપ્યા હતા અને બાકીના ત્રણ લાખ પાછળથી આપવા માટે જણાવ્યું હતું. પરંતુ એક માસ દરમ્યાન વધારાના ત્રણ લાખ રૂપિયા સુખરામેં આપ્યા ન હોય સાત લાખ રૂપિયાના વ્યાજ પેટે ૧૪ હજાર રૂપિયા ચૂકવવા મનીષ સુખરામ પાસે પહોંચ્યો હતો ત્યારે સુખરામે વ્યાજની રકમ ત્રણ લાખ રૂપિયા થતી હોવાનું જણાવી તે રકમ ચૂકવવા જણાવ્યું હતું. વ્યાજ પેટેની આટલી મોટી રકમ સાંભળી મનીષના હોશ ઉડી ગયા હતા. આ અંગે સુખરામ સાથે વાત કરતા સુખરામે જણાવ્યું હતું કે, તને આપેલ ૭ લાખ રૂપિયા માસ હાર્ડવેરના માલિક શ્રવણકુમાર પાસેથી લઇને આપ્યા છે. એટલે તારે આ વ્યાજ આપવું પડશે. જો કે, મનીષે તેની સાથે રકઝક કરતા સુખરામે વધુ ૫ લાખ બીજા આપવાની વાત કરી ૪ લાખ રૂપિયાના ત્રણ ચેક અને કોરા સ્ટેમ્પ પેપર ઉપર સહી કરાવી મહિના પછી વ્યાજ આપવા માટે જણાવ્યું હતું. આવી જ ઘટના વાપી ટાઉન પોલીસ મથકમાં પણ માસ હાર્ડવેર અને પ્લાયવુડના માલિક શ્રવણકુમાર અને તેમના પુત્રો વિરૂદ્ધ વ્યાજના પૈસા બાબતે ધાકધમકી અને અસહ્ય ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાપી ટાઉનમાં મહંમદ રઝાક સમસુદ્દીનખાન નામના વ્યક્તિએ આ વ્યાજખોર ટોળકીની સામે ફરિયાદ નોંધાવી છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, માસ હાર્ડવેર અને પ્લાયવુડના શ્રવણકુમાર અને તેમના પુત્રો પાસેથી ફર્નિચરનો જરૂરી સમાન ખરીદી કરવા ૧૫ ટકા વ્યાજે પૈસા લીધા હતા. જે બાદ આ વ્યાજખોર ટોળકીએ રાત્રીના ૧૨ વાગ્યા દરમિયાન મહંમદ સમસુદીનખાનના ઘરે પહોંચી ધાકધમકી આપી ઘરમાં ઘુસી ટેબલના ખાનામાં રહેલા રૂપિયા ૫૦૦૦ રૂપિયા લઇ વધારાની બાકી નીકળતી રૂપિયા ૭૦ હજારની રકમ ચૂકવવા માટે ધમકી આપી હતી અને મનીષની જેમ મહંમદ રઝાકને પણ રસ્તા વચ્ચે અટકાવી ડરાવી ધમકાવી તેમના ખિસ્સામાં રહેલા રૂપિયા પડાવતા હોય આખરે વાપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.