(એજન્સી) ઈટાનગર, તા.૧૯
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત નાગરિકતા સુધારા બિલનો વિરોધ ઉત્તરપૂર્વના રાજ્યોમાં વિદ્યાર્થી સંગઠનો કરી રહ્યા છે જેના પગલે આ પ્રદર્શનકારીઓ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. સરકાર ચાલુ શિયાળુ સત્રમાં આ બિલ પસાર કરવા પ્રયાસ કરશે. નોર્થઈસ્ટ સ્ટુડન્ટસ ઓર્ગેનાઈઝેશન (એનઈએસઓ) દ્વારા આયોજિત અને વિવિધ સંગઠનો સાથે જોડાયેલ એનઈએસઓએ ઉત્તર પૂર્વના રાજ્યોમાં રેલીઓ અને પ્રદર્શનો યોજ્યા હતા. એનઈએસઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે, એમણે વડાપ્રધાનને સંબોધી લખેલ આવેદનપત્ર રાજભવનમાં આપ્યું હતું. એમાં લખ્યું હતું કે, અમે મૂળભૂત નિવાસીઓ આ બિલનો જોરદાર વિરોધ કરીએ છીએ. ઉત્તર-પૂર્વના રાજ્યોના લોકોને ભય છે કે, આ બિલના લીધે અમારી વસ્તીની સમતુલા ખોરવાઈ જશે. બાંગ્લાદેશના નાગરિકો મુખ્યત્વે આ રાજ્યોમાં આશ્રય લેવા ઈચ્છતા હોય છે. એનઈએસઓએ જણાવ્યું કે, ઉત્તર-પૂર્વના રાજ્યોએ ૧૯૭૧માં જ્યારે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું ત્યારે લાખો હિન્દુ શરણાર્થીઓ આ રાજ્યોમાં શરણાર્થી થઈ આવ્યા હતા જેમનો બોજો અમોએ લીધો હતો અને જો સીએબી પસાર થશે તો ૧૯૭૧ પછી આવેલ હિન્દુ બાંગ્લાદેશીઓનો બોજો પણ અમારી ઉપર પડશે. ભાજપાએ લોકસભાની ચૂંટણીઓ પહેલાં ઉત્તર-પૂર્વના લોકોને આશ્વાસન આપ્યું હતું કે, આ બિલ દ્વારા તમારા રાજ્યોમાં લોકો રહેવા નહીં આવશે. તમારા હિતોનું અમે રક્ષણ કરીશું. ગઈકાલે વિરોધીઓએ ફકત સીએબીનું જ વિરોધ નથી કર્યું પણ એ સાથે એમણે માગણી કરી હતી કે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પ્રવેશ માટે પણ ઈનર લાઈન પરમીટ શરૂ કરાય.

ઉત્તર-પૂર્વમાં નાગરિકતા સુધારા બિલના
વિરોધના ભાગરૂપે મણિપુરમાં જનતા કરફ્યુ

(એજન્સી) ઐઝવાલ, તા.૧૯
ઉત્તર-પૂર્વના રાજ્યોના વિદ્યાર્થીઓ, ખેડૂતો અને મહિલા સંગઠનોએ નવી દિલ્હી અને મોદી સરકારને ધમકી આપી છે કે, જો નાગરિકતા સુધારા બિલ પસાર કરી પાડોશી દેશના ગેરકાયદેસર વસાહતીઓને નાગરિકતા આપવામાં આવશે તો જોરદાર આંદોલનો કરવામાં આવશે. વડાપ્રધાન અને આસામના મુખ્યમંત્રીની નનામીઓ આજે પ્રદર્શનકારીઓએ બાળી હતી અને કૂચ કરી રાજભવન ગયા હતા. પ્રદર્શનકારીઓએ મણિપુરમાં ૧૮ કલાક માટે જનતા કરફ્યુની જાહેરાત કરી હતી જે સોમવાર રાત્રીથી શરૂ થયેલ છે. નોર્થ-ઈસ્ટ ફોરમ ફોર ઈન્ડીજીનિયસ પીપલ (એનઈએફઆઈપી)એ જણાવ્યુું કે, આ બાબત અભૂતપૂર્વ છે. કેન્દ્ર સરકાર ધર્મના આધારે નાગરિકતા આપવા જઈ રહી છે અને મૂળ નાગરિકોના હિતો અને પ્રશ્નોની અવગણના કરી રહી છે. આ ગેરકાયદેસર છે અને એની અવળી અસરો પડશે. આ વાત અનૈતિક છે કે ધર્મના આધારે અન્ય દેશોના લોકોને નાગરિકતા અપાય છે જ્યારે નાગરિકોની અવગણના કરાય છે. સંસદ ભલે આ બિલને પસાર કરશે પણ સરકારે એના વિરોધોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. એમણે ઉત્તર-પૂર્વના સાંસદોની ટીકા કરતાં કહ્યું કે, અમારા સાંસદો અમારા અધિકારો અને આશાઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે જેથી અમે પોતે આ મુદ્દો હાથમાં ઉપાડવા નિર્ણય કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમે બે વખત આવેદનપત્રો આપ્યા છે પણ એ બહેરા કાને અથડાયા છે.