(ફિરોઝ મનસુરી)
અમદાવાદ,તા.૧પ
અમદાવાદ શહેરની ગોમતીપુર પોલીસ, સામાજિક કાર્યકરો અને પ્રજા દ્વારા શરૂ કરાયેલી વ્યસનમુકિત ઝુંબેશને લીધે ઘણા લોકો વ્યસનના ચુંગાલમાંથી મુકત થયા છે. તો ઘણા લોકો હજુ પણ વ્યસનમુકત થવા ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ, પ્રજા અને સામાજિક કાર્યકરો દ્વારા શરૂ થયેલી વ્યસનમુકિત ઝુંબેશને એક વર્ષની સફળતા જોતા હવે શહેરના ઝોન-પાંચના આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યસનમુકિત ઝુંબેશ શરૂ કરાશે. જેમાં વ્યસનમુકત થવા માગતા લોકો પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવશે. ત્યાર બાદ વ્યસનમુકિતની ટીમ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનારાને નશામુકિત કેન્દ્રમાં મોકલવા સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. એટલે પોલીસ હ્લૈંઇ નોંધવાની સાથે સાથે હવે વ્યસનમુકત થવા માગતા લોકોનું રજિસ્ટ્રેશન પણ કરશે. તદુઉપરાંત વ્યસનમુકત થવા માગતા લોકો માટે એક અલગથી કોલ સેન્ટર પણ શરૂ કરવાની વિચારણા છે. ત્યારે હાલ તો ઝોન-પાંચના ડીસીપી અને સામાજિક કાર્યકરો ભેગા મળીને આઠ પોલીસ સ્ટેશનમાં વ્યસનમુકિત ઝુંબેશ કેવી રીતે ચલાવવી તે અંગેનો એકશન પ્લાન તૈયાર કરી ટૂંક સમયમાં તેનો અમલ કરશે. જેમાં સ્થાનિકો, કોલેજના વિદ્યાર્થીઓને પણ જોડવામાં આવશે.
આ અંગે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ સાથે મળીને વ્યસનમુકિત ઝુંબેશ શરૂ કરનારા સામાજિક કાર્યકર અને ઈન્સ્ટીટયુટ ફોર સ્ટડીઝ એન્ડ ટ્રાન્સફોર્મેશનના સભ્ય એઝાઝ શેખે જણાવ્યું હતું કે અમે ગત વર્ષે ગોમતીપુરમાં પોલીસ સાથે મળીને વ્યસનમુકિત ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં ખૂબ જ સારો સહકાર મળતા એક વર્ષમાં અત્યાર સુધી ર૮ લોકો દારૂ-ડ્રગ્સ, ચરસ સહિતના વ્યસનોને ત્યાગીને એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જો કે હજુ ૩૦ લોકોએ વ્યસનમુકત થવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમને પણ વ્યસનમુકિત કેન્દ્રમાં મોકલીને યોગ્ય સારવાર કરાવીને વ્યસનમુકત કરાવીશું. અમારા ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરૂ કરેલી આ ઝુંબેશની સફળતાને જોતા અમે ઝોન પાંચના ડીસીપી રવિ તેજા વસમશેઢ્ઢીને મળીને આ ઝુંબેશને વધારવા રજૂઆત કરી હતી. જેને તેઓએ સહર્ષ સ્વીકારી અમદાવાદ શહેરના ઝોન-પાંચના ગોમતીપુર, બાપુનગર, રખિયાલ, ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, ખોખરા અને રામોલ મળીને કુલ ૮ પોલીસ સ્ટેશનોમાં વ્યસનમુકિત ઝુંબેશ શરૂ કરવા જણાવ્યું છે. આ ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સાથે ઇન્સ્ટીટયુટ ફોર સ્ટડીઝ એન્ડ ટ્રાન્સફોર્મેશન અને હાઈ ઓન લાઈફ સંસ્થા અને સ્થાનિક પ્રજા મળીને વ્યસનમુકિત ઝુંબેશ ચલાવશે. વધુમાં એઝાઝ શેખે કહ્યું હતું કે આ સમગ્ર ઝુંબેશમાં અમે સૌ પ્રથમ વ્યસનમુકત થવા માગતા લોકો માટે યોગ્ય જગ્યા ફાળવવા, માત્ર સારવાર જ નહીં પણ શાળા કોલેજોમાં પણ વ્યસનમુકિત માટે જાગૃતિ અભિયાન ફેલાવવા સહિતની કામગીરી કરીને ઝુંબેશને એક પોલીસ સ્ટેશનથી સમગ્ર અમદાવાદ શહેરમાં વિસ્તારવા માગીએ છીએ. સરકાર, પોલીસ અને પ્રજાનો આ રીતે જ સહકાર મળતો રહેશે તો અમે એક દિવસ અમદાવાદ શહેરને વ્યસનમુકત બનાવી હેલ્ધી સમાજનું નિર્માણ કરી શકીશું. જો કે હાલ તો ઝોન-પ ડીસીપી રવિ તેજાએ જે રીતે અમને સહયોગ આપ્યો છે. તેને ધ્યાને રાખીને અમે ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યસનમુકિત ઝુંબેશ કેવી રીતે ચલાવવી સહિતના મુદ્દાઓને લઈને એક એકશન પ્લાન તૈયાર કરી રહ્યા છે. ટૂંક સમયમાં આ પ્લાન તૈયાર કરી ડીસીપીને આપીશું. ત્યાર બાદ આ ઝુંબેશ ટૂંક સમયમાં જ શરૂ કરીશું.

વ્યસનમુકિત માટે અલગથી કોલ સેન્ટર શરૂ કરીશું : ડીસીપી રવિ તેજા

અમદાવાદ શહેર ઝોન-પાંચના ડીસીપી રવિ તેજા વસમશેઢ્ઢીએ વ્યસનમુકિત ઝુંબેશ અંગે જણાવ્યું હતું કે ડ્રગ્સ, દારૂ જેવા નશાના વ્યસનથી આજનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. એટલે સમાજમાંથી વ્યસનના દુષણને દુર કરવું જરૂરી છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ સાથે મળીને વ્યસનમુકિત ઝુંબેશ ચલાવતા સામાજિક કાર્યકર એઝાઝ શેખ મને મળ્યા હતા. તેમણે વ્યસનમુકિત ઝુંબેશને વધારવા માટે વાત કરી હતી. એટલે અમે નક્કી કર્યું છે કે ઝોન પાંચના આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પણ આ ઝુંબેશમાં જોડાશે. જેમાં વ્યસનમુકત થવા માગતા લોકો આઠેય પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે એવી વ્યવસ્થા કરીશું. તદઉપરાંત વ્યસનમુકત થવા માગતા લોકો માટે એક અલગથી કોલ સેન્ટર પણ શરૂ કરીશું. હાલ તો આટલુ વિચાર્યું છે. વધુમાં એઝાઝ શેખ અને તેમની ટીમ આ ઝુંબેશને વધારવા એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છે. તેના પર ચર્ચા બાદ ટૂંક સમયમાં ઝુંબેશને આગળ વધારીશું. એમ ડીસીપી રવિ તેજાએ જણાવ્યું હતું.

એક વર્ષમાં બુટલેગર સહિત ર૮ લોકોએ વ્યસન છોડયું

ગોમતીપુરમાં વ્યસનમુકિત ઝુંબેશમાં એક વર્ષમાં ર૮ લોકો વ્યસનમુકત થયા છે. જેમાં એક બુટલેગર પણ હતો. જેને દારૂ વેચવાની સાથે સાથે દારૂનું વ્યસન થઈ ગયું હતું. આવા બુટલેગરે પણ ગોમતીપુરમાં વ્યસનમુકિત ઝુંબેશમાં જોડાઈને વ્યસનને તિલાંજલિ આપી છે.

કોલેજના વિદ્યાર્થીઓને
પણ ઝુંબેશમાં જોડીશું

વ્યસનમુકિત ઝુંબેશ અંગે સામાજિક કાર્યકર એઝાઝ શેખે કહ્યું હતું કે અમે ૮ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યસનમુકિત ઝુંબેશને વધારવા માટે અમે તે વિસ્તારની શાળાઓમાં વ્યસનમુકિત અંગે જાગૃતિના સેમિનાર પણ યોજીશું. જેમાં કોલેજની હેલ્ધી કેમ્પસ કમિટીના વિદ્યાર્થીઓને જોડીશું. જેઓ શાળાઓમાં જઈને જાગૃતિના સેમિનાર યોજશે.

ઝુંબેશમાં સંગઠનો અને પ્રજા પણ જોડાઈ શકશે

વ્યસનમુકિત ઝુંબેશમાં જોડાવવા અંગે એઝાઝ શેખે કહ્યું હતું કે અમે બધા જ સંગઠનોને આ ચળવળમાં જોડાવવા અપીલ કરીએ છીએ. વ્યસનનું સમાધાન બધાએ મળીને કરવું પડશે. માત્ર સરકાર ઉપર દોષારોપણ કરવાથી ચાલશે નહીં બધાએ સાથે મળી ચોક્કસ દિશામાં કામ કરવું પડશે. પોલીસ વિભાગે જયારે વ્યસનમુકિત માટે સરાહનીય પગલુંભર્યું છે તો પ્રજાની પણ ફરજ બને છે કે આવા સમાજ સુધારાના કાર્યમાં ભાગીદાર બને.