પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારાએ ગોધરામાં ઝેર ઓક્યું

(સંવાદદાતા દ્વારા)

ગોધરા, તા.ર૮

બનાવટી એન્કાઉન્ટર કેસમાં ૮ વર્ષ જેલમાં અને એક વર્ષ ગુજરાત બહાર મુંબઈમાં વનવાસ ભોગવી ગુજરાત પરત ફરનાર પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારા એક પછી એક વિવાદાસ્પદ નિવેદનો કરી ચર્ચામાં રહેતા આવ્યા છે. પરંતુ આજરોજ ગોધરા ખાતે યોજાયેલા તેમના સન્માન સમારંભમાં તેમણે હદ વટાવી દીધી અને મદ્રસાઓને આતંકવાદની ફેકટરી ગણાવી મદ્રસાઓના શિક્ષણે દુનિયાને નરક બનાવવાનું કામ કર્યું હોવાનું ઝેર ઓકતા આગામી દિવસોમાં ભારે વિવાદ ઊભો થાય તેમ છે.

ગોધરાકાંડને વાગોળતા વણઝારાએ જણાવ્યું હતું કે અત્યારે જે નગરમાં આવ્યો છું તે ગોધરામાં ર૦૦રમાં ગોધરાકાંડની શરૂઆત થઈ હતી. ગોધરાનો “ગ” ગુજરાતનો “ગ” અને ગાંધીનગરના “ગ” સાથે કંઈક લેવા દેવા છે. ગોધરાની જે આગ લાગી તે આગ ગુજરાતમાં ફેલાઈ અને ગુજરાતમાં ફેલાયેલી આગ ગાંધીનગરને પ્રભાવિત કરી ગઈ અને પ્રભાવિત થયેલું ગાંધીનગર સમગ્ર હિન્દુસ્તાનને પ્રભાવિત કરી ગયું છે. એન્કાઉન્ટરને સાચા ઠરાવતા તેમણે જણાવ્યું કે આતંકવાદીઓ અને તેમને રક્ષણ આપનારા લોકોના એન્કાઉન્ટર  ગુજરાત પોલીસે કાયદાની અને બંધારણની મર્યાદમાં રહીને કર્યા હતા. દેશની અંદર ૭૦ વર્ષથી બિનસાંપ્રદાયિકતાના નામે જે રાષ્ટ્ર વિરોધી ઢોંગી રાજનીતિ શરૂ થઈ હતી. તેનો શિકાર ગુજરાતના પોલીસ અધિકારીઓ થયા છે.

કાશ્મીરના અલગાવ-વાદીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે દૂધ પાવનારા અંતિમવાદી વિચારો છે. આ અંતિમવાદ ક્યાં પેદા થાય છે ? અંતિમવાદ મદ્રસાઓમાં પેદા થાય છે. આજે રાષ્ટ્ર વહાબી વિચારધારા વાળાના જે મદ્રસાઓ ચાલે છે. તેમણે નરક બનાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો તે મદ્રસાઓનું શિક્ષણ છે. જે રાષ્ટ્ર વિરોધી છે. જ્યાં આતંકવાદ શીખવાડવામાં આવે છે. મદ્રસાઓ આતંકવાદની ફેકટરીઓ છે. આતંકવાદ પેદા કરવાના કારખાના છે.

અરબસ્તાનમાંથી જે આરબ સામ્રાજ્ય ઊભુ થયું છે. આ આરબ સામ્રાજ્યનો ફેલાવો કરનારા આ કારખાનાઓ છે એને આગળ વધારનારા આ કેન્દ્રો છે. હું આપને કહું આ ધરતી ઉપર કોઈનું સામ્રાજ્ય ચાલતુ નથી અને આ આરબોનું સામ્રાજ્ય ચાલશે નહીં આતંકવાદનો સફાયો કરવો અનિવાર્ય છે તેવો બફાટ કર્યો હતો.