(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
૧૯૮૭ના ઓગસ્ટથી લક્ષ્યદ્વીપના વહીવટકર્તા રહેલા વજાહત હબીબુલ્લાહે વડાપ્રધાન મોદીના આરોપોને ધરમૂળથી ફગાવી દીધા છે અને કહ્યું છે કે, મોદી બકવાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લક્ષ્યદ્વીપનું વહીવટ રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત અધિકારી જુએ છે. હબીબુલ્લાહે જણાવ્યું કે, હું ૧૯૮૭માં લક્ષ્યદ્વીપનો વહીવટકર્તા હતો, મને યાદ છે ત્યાં સુધી મોદી જે વાત કરે છે તે ૧૯૮૮ની છે. વહીવટકર્તા હોવાથી મારે દ્વીપના વિકાસ માટે એક બેઠક કાવારત્તીમાં કરવાની હતી. કાવારત્તી લક્ષ્યદ્વીપનો જ એક ટાપુ છે. આ અંગેની આ પહેલા થનારી બેઠક અંદમાન નિકોબાર અને પછી દિલ્હીમાં થઇ હતી જે બાદ આ બેઠક કારાવત્તીમાં થવાની હતી. પોતાના પ્રવાસમાં પીએમ રાજીવ ગાંધીએ ટાપુની વિકાસ કાઉન્સિલનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું. ત્યારબાદ પરિષદની કેન્દ્રીય કેબીનેટ સાથે બેઠક પણ થઇ હતી. તમામ મંત્રીઓ અને વડાપ્રધાન પણ હાજર હોવાથી આઇએનએસ વિરાટને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઇ નજીક જ રખાયું હતું. આ પ્રકારની ઘટનાઓને ફીર પ્રકાશમાં લાવવી જોઇએ નહીં. વહીવટકર્તા તરીકે મને જાણ કરાઇ કે, આઇએનએસ વિરાટ લક્ષ્યદ્વીપ નજીક રખાયું છે પણ તેના પર કોઇ ગયું ન હતું. વજાહતે એવું પણ કહ્યું કે, જો પીએમ મોદીને શંકા હોય તો અમિતાભ બચ્ચનને પુછી શકે છે.