(એજન્સી) મેરઠ, તા.૨૪
નવા નાગરિકતા કાયદા સામે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં હિંસાનું નેતૃત્વ કરનારાઓને પકડવાના એક પ્રયાસરૂપે પોલીસે સોમવારે તોફાનીઓના ફેટા સાથેના પોસ્ટર્સ જારી કર્યા હતા. ‘વોન્ટેડ તોફાનીઓ’ના પોસ્ટર્સમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ વોન્ટેડ તોફાનીઓની ધરપકડ તરફ દોરી જતી માહિતી આપનારને ઇનામ આપવામાં આવશે અને વોન્ટેડ તોફાનીઓ વિશે માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે તોફાનીઓ વિશે માહિતી આપનારને ૫,૦૦૦ રૂપિયાનું ઇનામ આપવાની પોલીસ વિચારણા કરી રહી છે. પોલીસે જણાવ્યું કે વીડિયો અને સીસીટીવી ફુટેજ દ્વારા ૧૦૦થી વધુ તોફોનીઓને ઓળખી પાડવામાં આવ્યા. અધિક પોલીસ મહાનિર્દેશક (એડીજીપી) પ્રશાંત કિશોરે જણાવ્યું કે મેરઠ ઝોનમાં આશરે ૨૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેરઠમાં ગત સપ્તાહે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં સર્જાયેલી હિંસામાં બે લોકો માર્યા ગયા હતા અને એક પોલીસ ચોકીને આગ ચાંપવામાં આવી હતી.