વડોદરામાં નિઝામે ઔકાફ હેઠળ વકફ મિલકતો અંગે સેમિનાર યોજાયો

(તસ્વીર : વડોદરા બ્યુરો)

 

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૭,

ભારતનાં મુસ્લિમો પાસે ૬ લાખથી વધુ વકફ મિલકતો છે જે રેલવે અને ડિફેન્સની પ્રોપર્ટી પછી ત્રીજા ક્રમે આવે છે. આટલી મોટી માત્રામાં વકફની જમીનો હોવાથી તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મુસ્લિમોનાં ઉત્થાનનાં કાર્યો સારી રીતે થઈ શકે એમ રાજ્યસભાનાં સાંસદ અને લઘુમતિ બાબતોનાં પુર્વકેબીનેટ મંત્રી કે.રહેમાનખાન સાહબએ અત્રેના મહાત્મા ગાંધીનગરગૃહ ખાતે નિઝામે ઔકાફ હેઠળ વકફ મિલકતોનાં સરંક્ષણ, વિકાસ અને જાગૃતિ અંગેનાં સેમિનારમાં સંબોધન કરતાં જણાવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મધ્ય ગુજરાતનાં વકફ પ્રતિનિધિઓ અને મુસ્લિમ સમાજનાં હિત ચિંતકોની સંબોધન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, વકફની મિલકતો અલ્લાહની રાહમાં વકફ કરેલ અને લોક કલ્યાણનાં કાર્યોમાં ઉપયોગ માટે હોય છે. આ કોઈની અંગત માલિકીની મિલકતો નથી તેનો યોગ્ય ઉપયોગ,તેની સુરક્ષા અને વિકાસ કરવાની જવાબદારી વકફ મિલકતનાં મુતવલ્લીઓની છે. સેન્ટ્રલ વકફ એક્ટ ૨૦૧૩  એમેન્ડમેન્ટ પછી વકફની મિલકતો સરંક્ષણની જવાબદારી આપણી છે. આ માટે લોકોએ જાગૃત થવું પડશે. નવા કાનુન મુજબ વકફ મિલકતોનો લીઝ રેન્ટમાં તબદીલ કરવામાં આવે તો વર્ષ ૫૦ હજાર કરોડની આવક થાય તેના દ્વારા કોમનાં વિકાસનાં કામો થઈ શકે છે. રાજ્ય સરકારોની લાપરવાહીથી વકફ મિલકતોને ભારે નુકશાન થયુ છે. માટે ઉઠો જાગો અને મિલ્લતનાં પ્રશ્નો ઉપર એક થાવ, નારા લગાવીને જોશ આપવાનાં બદલે ખુદ મેદાનમાં ઉતરી વકફ મિલકતો ઉપર થયેલ ગેરકાયદેસર કબજા સામે લડત ચલાવો. સેન્ટ્રલ વકફ કાઉન્સિલનાં માજી મેમ્બર (એડવોકેટ) ઈકબાલ શેખએ પોતાનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે, વકફ એક્ટ ૨૦૧૩ના એમેન્ડમેન્ટ મુજબ કોઈપણ વ્યક્તિ ટ્રાન્સફર કે ગીફટ પણ ન કરી શકે.  પરંતુ વકફ પ્રોપર્ટી ડેવલોપર સાથે ડેવલપમેન્ટ કરાવી ૩૦ વર્ષ સુધી લીઝ પર આપી શકાય પરંતુ વકફ માલિકી વકફ ટ્રસ્ટની રહેશે. મહારાષ્ટ્ર વકફ બોર્ડનાં સભ્ય તેમજ ઓલ ઈન્ડીયા શીયા પર્સનલ લો બોર્ડનાં સેક્રેટરી મૌલાના ઝહીર અબ્બાસ રિઝવીએ જણાવ્યું હતું કે, અવકાફની બદહાલી માટે મુતવલ્લી જવાબદાર છે. મુતવલ્લી વકફ પ્રોપર્ટીનો કસ્ટોડીયન છે, માલિક નથી. વકફ મિલકતોનો અંગત ફાયદા માટે મુતવલ્લી ઉપયોગ કરી શકતો નથી. અહમદાબાદ સુન્ની મુસ્લિમ વકફ કમિટીનાં પ્રેસીડેન્ટ રિઝવાન કાદરી (આર્કીટેક્ટ)એ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, વકફ મિલકતોમાંથી દર વર્ષ રપ થી ૩૦ હજાર કરોડ આવક આવે તો મુસ્લીમ સમાજના ઉત્થાન માટે બધુ જ થઈ શકે. તેને બધાને એક થઈ વકફ શું છે તે સમજવું પડશે. કાનુની લડત કેવી રીતે લડી શકાય અને વકફની આવક કેવી રીતે વધારી શકાય તે માટે જાગૃતિ કેળવવી પડશે. ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનાં સભ્ય એડવોકેટ મોહંમદ તાહીર હકીમ એ વકફ અને ટ્રસ્ટમાં શંુ ફેર છે તે વિગતે સમજાવ્યું હતું. મુતવલ્લી અલ્લાહની પ્રોપર્ટીનો કસ્ટોડીયન છે. તેની ઘણી મોટી જવાબદારી છે. ઓલ ઈન્ડીયા કાઝી બોર્ડનાં જનરલ સેક્રેટરી મૌલાનાં મુહમ્મદ ફઝલે હક કાદરીએ પોતાના પ્રાસંગિક પ્રવચન વકફની શરઈ હેસિયત અને વકફ પ્રત્યે મઝહબ અને સમાજી બેદારી અંગે વિગતે જણાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આવકાર પ્રવચન ઝુબેર ગોપલાણીએ કર્યું હતું.  ત્યારબાદ ઉપસ્થિત પ્રવકતાઓ અને મહેમાનો ફરીદ કટપીસવાલા, આઈ.ડી.પટેલ, કરીમ મલેક સાહબ, સીરાજ કુરેશી, સાજીદઅલી સૈયદ, ઈદ્રીશ વ્હોરા વિગેરેનું કાર્યક્રમનાં કો-ઓર્ડીનેટર્સ ઝુબેર ગોપલાણીનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. નિઝામે ઔકાફ હેઠળ વકફ મિલકતોના સરંક્ષણ, વિકાસ અને જાગૃતિ અંગેનાં સેમિનારનું આયોજન માઈનોરીટી ડેવલપમેન્ટ એન્ડ પ્રોટેકશન ફાઉન્ડેશન,મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તેમજ યુનાઈટેડ ફોરમ-વડોદરા દ્વારા કરવામાં આવ્યું હતું.