(એજન્સી) ગુલબર્ગા, તા.૨૨
કર્ણાટકના કલબુર્ગીમાં પોલીસે ભડકાઉ ભાષણ આપવા બદલ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના નેતા વારિસ પઠાણ સામે વિભિન્ન ધારાઓ હેઠળ કેસ નોંધ્યો છે. વારિસ પઠાણે પોતાના પ્રવચનમાં ૧૫ કરોડ મુસ્લિમો ૧૦૦ કરોડથી વધુ હિન્દુઓ પર હાવી થવાની ટિપ્પણી કરી હતી. એક ખાનગી વકીલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે તોફાન ભડકાવવાના ઇરાદાથી લોકોને ઉશ્કેરવાના મામલામાં ભારતીય ફોજદારી કાયદા (આઇપીસી)ની કલમ ૧૧૭, ૧૫૩ અને વિભિન્ન સમૂહ વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા માટે કલમ ૧૫૩એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે કર્ણાટકના ગુલબર્ગામાં ગત ૧૯મી ફેબ્રુઆરીએ નાગરિકતા સુધારા કાયદા (સીએએ) વિરોધી રેલીમાં લોકોને સંબોધન કરતી વખતે વારિસ પઠાણે કહ્યું હતું કે ૧૦૦ કરોડ પર ૧૫ કરોડ હાવી થશે. બાયકલ્લાના ભૂતપૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણે જણાવ્યું હતું કે આઝાદી આપવામાં નહીં આવે તો છીનવી લઇશું. દિલ્હીના શાહીન બાગમાં સીએએ અને એનઆરસી સામે મહિલાઓના નેતૃત્વમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરીને તેમણે એવું પણ કહ્યું હતું કે સિંહણોથી તમારો પરસેવો છુટી ગયો છે. તેથી તમે સમજી શકો છો કે જો અમે સંગઠિત થઇને આવીશું તો શું થશે.