મુંબઇ,તા.૧૫
ટીમ ઇન્ડિયાનો મંગળવારે અહીં વાનખેડે સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ વન-ડેમાં જે પરાજય થયો એ વન-ડે ક્રિકેટના ભારતના ઇતિહાસમાં સૌથી નામોશીભર્યા પરાજયોમાં અચૂક ગણાશે. વિરાટસેનાના ૨૫૫ રનના જવાબમાં ઍરોન ફિન્ચ ઍન્ડ કંપનીએ ૩૭.૪ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૨૫૮ રન બનાવીને શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી.
તાજેતરમાં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામે સિરીઝ જીતનાર ભારતીય ટીમે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયા ટેકવવા પડ્યા હતા. ઘરઆંગણે શ્રેણીની પહેલી જ મૅચમાં ૧૦ વિકેટે પરાજય થવો એ વન-ડેના વર્લ્ડ નંબર-ટૂ ભારત માટે મોટી નાલેશી કહેવાય. ચોથી રૅન્ક ધરાવતી ઑસ્ટ્રેલિયન ટીમના ઓપનરો ડેવિડ વૉર્નરે (૧૨૮ અણનમ, ૧૧૨ બૉલ, ત્રણ સિક્સર, સત્તર ફોર) ૧૮મી અને કૅપ્ટન ઍરોન ફિન્ચે (૧૧૦ અણનમ, ૧૧૪ બૉલ, બે સિક્સર, તેર ફોર) ૧૬મી વન-ડે સદી ફટકારી હતી અને ૭૪ બૉલ બાકી રાખીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી. તેમની વચ્ચેની ૨૫૮ રનની અતૂટ ભાગીદારી વન-ડેમાં ભારત સામેની તમામ ભાગીદારીઓમાં હાઇએસ્ટ હતી. તેમણે પોતાના જ દેશના જ્યોર્જ બેઇલી તથા સ્ટીવ સ્મિથ વચ્ચેની ૨૦૧૬ની સાલની ભારત સામેની ૨૪૨ રનની ત્રીજી વિકેટ માટેની ભાગીદારીનો વિક્રમ તોડ્યો હતો.
ત્રણ મૅચવાળી સિરીઝની બીજી વન-ડે શુક્રવાર, ૧૭મી જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. જો ભારત એ મૅચ જીતશે તો રવિવાર, ૧૯મીની બેંગલુરુની મૅચ નિર્ણાયક બનશે.