(એજન્સી)  તા.ર૮
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ છે. આ આતંકી હુમલામાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. આ ઘટનાના ૧ર દિવસ બાદ ભારતે જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાન સીમા હેઠળ રહેલ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ બંને દેશો વચ્ચે વધુ તણાવ સર્જાયો છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન વસીમ અકરમે ભારતને અપીલ કરી છે.
તેમણે ટ્‌વીટ કરી હતી કે, હું ભારે હૃદય સાથે અપીલ કરી રહ્યો છું ભારત-પાકિસ્તાન તમારું દુશ્મન નથી. તમારો દુશ્મન એ અમારો દુશ્મન. આપણને એ ભાન થાય કે આપણે બંને સમાન લડાઈ લડી રહ્યા છે એ પહેલા કેટલું લોહી વહેડાવવું જરૂરી છે. જો આપણે આ આતંકવાદ સામે યુદ્ધ કરવા માંગતા હોય તો આપણે ખભા મિલાવવાની જરૂર છે. આ સાથે તેમણે હેશટેગ ઉમેરી યુદ્ધનો વિરોધ કર્યો છે.