(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪
રાજ્ય સરકારે તાજેતરમાં ઓચિંતી જાહેરાત કરી લાયસન્સ સ્ટેમ્પ વેન્ડર નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહીં તેવી સૂચના આપતા જેઓએ સ્ટેમ્પ પેપરો ખરીદી રાખ્યા હશે તે બીન અમલી બની જશે. ઉપરાંત હજારો સ્ટેમ્પ વેન્ડરો રાતોરાત બેરોજગાર થઈ જશે. આમ જનતાની મુશ્કેલીમાં વધારો થશે. જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્ટેમ્પ પેપરનું વેચાણ હાલ બંધ નહીં કરી તબક્કાવાર બંધ કરવા પુનઃ વિચારણા કરવા માગ કરી છે. તાજેતરમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગરના તા.૧૬-૯-ર૦૧૯ના પત્રથી તા.૧-૧૦-ર૦૧૯થી લાયસન્સ સ્ટેમ્પ વેન્ડર નોન જયુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહીં તેવી સૂચનાઓ બહાર પાડેલ છે. રાજ્ય સરકારનો આવો ઓચિંતો અને કોઈ પરામર્શ કે આગોતરા આયોજન સિવાય ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ કરવાનો નિર્ણય અવ્યવહારૂ અને રાજ્યની પ્રજાને હેરાનગતિ સમાન છે. રાજ્ય સરકારના આવા ઓચિંતા નિર્ણયથી આમ જનતા તથા ગરીબ પ્રજા કે જેઓને સરકાર દ્વારા મળતી તમામ યોજનાઓ માટે નિયત ફોર્મ સાથે રૂા.૫૦/-થી લઇને રૂા.૩૦૦/- સુધીના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામાઓ કરવા પડે છે. આ સ્ટેમ્પ પેપર હાલની વ્યવસ્થા મુજબ તુર્તજ મળી રહે છે, જ્યારે સ્ટેમ્પ પેપર પ્રથા બંધ થયેથી ઈ-સ્ટેમ્પીંગ કરાવવાનું થશે તેવા સમયે લોકોને બેન્કોમાં પોતાના ધંધા-રોજગાર છોડીને લાંબા સમય સુધી લાઈનમાં ઉભા રહીને ઈ-સ્ટેમ્પીંગ કરાવવું પડશે. હાલની વ્યવસ્થા મુજબ સ્ટેમ્પ પેપરની ખરીદીથી આ સ્ટેમ્પ પેપર છ માસ સુધી અમલી રહે છે, જયારે આવી ઓચિંતી જાહેરાતથી રાજયમાં પ્રજા પાસે જે સ્ટેમ્પ પેપરો ખરીદેલા હસે બીન અમલી થઈ જશે. વર્ષો જૂની જે પ્રણાલી અને પ્રથા છે તેને અચાનક રદ્દ કરવાના બદલે સરકારશ્રીએ ફિઝિકલ સ્ટેમ્પ બંધ થતા તેની શું આડઅસર થશે ? ગરીબ પ્રજાને શું હાલાકી ભોગવવી પડશે ? શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવાના બદલે માન્ય સ્ટેમ્પ વેન્ડરો બેરોજગાર થઈ જશે કે કેમ ? વગેરે મુદ્દાઓ પરત્વે ગંભીરતાથી પરામર્શ કરવો જોઈએ અને તબક્કાવાર આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. ૧. સબબ હાલ સ્ટેમ્પ પેપરનું વેચાણ બંધ નહીં કરતાં ગંભીરતાપૂર્વક વિચારણા કરી સરકારે સ્ટેમ્પ પેપર અને ઇ-સ્ટેમ્પીંગનું સમાંતર વેચાણ ચાલુ રાખવું, ર. ઇ-સ્ટેમ્પીંગ પદ્ધતિનું સમયાંતરે ક્રમશઃ અમલીકરણ કરવું. ૩. રૂા.૧૦૦૦/-થી ઓછી રકમના સ્ટેમ્પ પેપર કાયમી ધોરણે ચાલુ રાખવા, ૪. મિલકત ખરીદી-વેચાણ-ગીરો તથા સમૂજતી સહિતના કરારોનુ મૂલ્ય માત્ર ઇ-સ્ટેમ્પીંગ વ્યવસ્થાથી જ વસુલવું, પ. સ્ટેમ્પ વેચાર અંગે વિતરકોને વ્યાજબી કમિશન ચૂકવવું સ્ટેમ્પ વસૂલાતના વધારેલા પ્રવર્તમાન દરો સ્થગિત કરવા સહિતના સૂચનો અંગે ગંભીરતાથી વિચારણા કરવા અને સકારાત્મક નિર્ણય લેવા સરકારને વિનંતી કરી છે.