કેજરીવાલની સુરત યાત્રા અગાઉ પોસ્ટર યુદ્ધ શરૂ

‘આપ’ની સભામાં ભાજપ વિઘ્ન ઊભું કરશે તેવી ભીતિ વચ્ચે રાજકીય માહોલ ગરમ

અમદાવાદ, તા.૮

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આગામી ૧પમી ઓકટોબરના રોજ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કેજરીવાલ વિરૂધ્ધ અત્યારથી પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલને ‘શું કેજરીવાલ ભાજપના એજન્ટ છે ?’ ‘શું કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે ?’ જેવા સાત સવાલો પૂછવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંનો અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ તેના કાર્યક્રમની જાહેરાતની સાથે જ વિવાદાસ્પદ બન્યો છે. અરવિંદ કેજરીવાલ તા.૧પમી ઓકટોબર ઉંઝા ખાતે પાટીદારોના આસ્થા કેન્દ્ર એવા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા જશે. તેઓ અમદાવાદ અને મહેસાણામાં પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારો તથા નેતાઓને મળવાના છે. ભાજપના ગઢ સમાન ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનો પ્રવાસ રાજકીય દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ બનશે. જો કે, સુરતના કાપોદ્રા વિસ્તારમાં અત્યારથી અરવિંદ કેજરીવાલ વિરૂધ્ધમાં પોસ્ટર જોવા મળી રહ્યા છે. અખિલ ભારતીય પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા આ પોસ્ટર લગાવાયા હોઈ તેમાં અરવિંદ કેજરીવાલને સાત સવાલ પૂછવામાં આવ્યા છે ? કેજરીવાલ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે ? શું કેજરીવાલ ભાજપના એજન્ટ છે ? આંદોલનમાં પાટીદારો શહીદ થયા ત્યારે ઉંઝા ગયા હતા કેજરીવાલ ? દિલ્હીમાં શીલા દીક્ષિતને જેલ મોકલવાની વાત કરી સરકારમાં આવ્યા છો તો શા માટે કામગીરી ના કરી ? આપ અને મોદીજીની કોઈ સેટીંગથી જ પાટીદારોમાં ભાગલા પાડવા આવી રહ્યા છે કેજરીવાલ ? આવા વેધક પ્રશ્ન પોસ્ટરમાં પૂછાયા હોઈ સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે. કેમ કે, કેજરીવાલની સુરતમાં તા.૧૬મીએ જાહેરસભા યોજાશે. કેજરીવાલની સુરતની જાહેરસભા અગાઉ તેમની પોસ્ટ દ્વારા આકરા પ્રહારો કરાતા અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉઠયા છે. અગાઉ આપ દ્વારા સુરતની સભામાં ભાજપ વિઘ્ન ઊભું કરશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી તેમજ અત્યારથી ભાજપના કાર્યકરો આપના પોસ્ટર હોર્ડિંગ્સને ફાડી નાંખતા હોવાના આક્ષેપ થઈ ચૂકયા છે. આ સંજોગોમાં પોસ્ટરથી સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે.