(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૯
કચ્છમાં હાલે ધોરડો નજીક સફેદ રણમાં રણઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે તા.૯/૧ ની સવારે સફેદરણમાં તંબૂનગરી કે જ્યાં પ્રવાસીઓ રાતવાસો કરતા હોય છે. ત્યાં બેથી ત્રણ ટેન્ડરમાં અચાનક આગ લાગતા પ્રવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે કોઈપણ પ્રકારની જાનહાનિ વિના આગ કાબૂમાં આવી જતા હાશકારો અનુભવાયો હતો. જો કે તે દરમ્યાન ત્રણ જેટલા તંબુ સંપૂર્ણ રીતે બળી જવા પામ્યા હતા.સવારના ભાગે પાણી ગરમ કરવા માટેના હીટરથી આગ તંબુમાં લાગી હોવાનું અનુમાન છે. સફેદરણમાં ટેન્ટસિટીમાં સંચાલન સંભાળતા લલુજી એન્ડ સત્સ નામની પેઢીના કોન્ટ્રાક્ટરોએ બાદમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાથી ત્યાં સુધીમાં પ્રવાસીઓનો કિંમતી સામાન બળી ગયો હતો. આ તંબુ નગરીમાં અગાઉ પણ આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે.