(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪

જમાત-એ-ઈસ્લામી હિન્દની મહિલા પાંખની અધ્યક્ષા અતિયા સિદ્દીકાએ વેધક પ્રશ્ન પૂછયો છે. એમણે પ્રશ્ન કર્યો છે કે મુસ્લિમ મહિલાઓના અધિકારોના રક્ષણનો દાવો કરનારાઓ પહેલુખાનની વિધવાની મદદ કરવા કેમ આગળ આવતા નથી ? જેમના પતિની હત્યા કહેવાતા ગૌરક્ષકોએ કરી હતી. પ્રેસ કલબ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં એ પ્રશ્નોના જવાબો આપી રહ્યા હતા. આ પરિષદમાં જમાતના નેતાઓએ મુસ્લિમોના અંગત કાયદાઓ માટે જાગૃતતા લાવવા અભિયાન શરૂ કરવા જાહેરાત કરી હતી. ટ્રિપલ તલાક મુદ્દે સિદ્દીકાએ કહ્યું કે આ મુદ્દાએ સમગ્ર રીતે રાજકીય રૂપ લઈ લીધું છે. એવું જણાય છે કે, દેશમાં ફકત આ જ એક સમસ્યા છે. બીજી સમસ્યાઓ છે જ નહીં. અથવા છે તો આ સમસ્યા ઉકેલ્યા પછી બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે. એમણે આલોચના કરતાં કહ્યું કે, જો મુસ્લિમો ટ્રિપલ તલાકની પ્રથા બંધ કરી દે તો શું સમગ્ર દેશના પ્રશ્નો ઉકેલાઈ જશે ? ફુગાવો ઘટી જશે ? ગેસ સિલિન્ડરના ભાવો ઘટી જશે  ? અને સમાજના બીજા દૂષણો છે એનો અંત આવી જશે ? આ પહેલાં જમાતના અધ્યક્ષ મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમારીએ કહ્યું કે, મીડિયા અને રાજકીય પક્ષો શરિયા મામલે કેમ દખલગીરી કરી રહ્યા છે. અમારા અંગત કાયદાઓથી એમને શું લેવા દેવા છે. એમણે કહ્યું કે, શરિયત બાબત જાગૃત્તતા લાવવી આવશ્યક છે. જાગૃત્તતા લાવવા માટે અમે અભિયાન ચલાવીશું. મુસ્લિમોને પણ શરિયત બાબત અધિકૃત જ્ઞાન નથી. એમને પણ ઈસ્લામ અને મુસ્લિમો બાબત ગેરસમજો છે. જેના લીધે મુસ્લિમોનું વર્તન દોષપૂર્ણ છે. જેથી ઈસ્લામની છબી બગડી રહી છે. મોટાભાગના મુસ્લિમો ઈસ્લામના મૂળતત્ત્વોથી અજાણ છે. ઘણા બધા મુસ્લિમોને ખબર નથી કે લગ્ન, છૂટાછેડા, વારસા બાબત કયા પ્રકારના નિયમો અને કાયદાઓ છે. મુસ્લિમોને આ વિષે જ્ઞાન આપવાથી જ મુસ્લિમ સમાજમાં સુધારાઓ થઈ શકશે. ઘણા બધા પ્રશ્નોના ઉત્તરો આપતાં એમણે લગ્ન અને છૂટાછેડા બાબતના ખ્યાલને વિસ્તૃત રીતે સમજાવ્યો અને જણાવ્યું કે, જો કોઈ મહિલાને છૂટાછેડા અપાય છે તો એના રક્ષણ માટેની પણ જોગવાઈઓ છે. એમને તરછોડી દેવાતી નથી. ઈસ્લામિક કાયદાઓ ફકત મુસ્લિમોના ભલા માટે નથી પણ સમગ્ર માનવજાતિ માટે લાભદાયક છે. પવિત્ર કુર્આનમાં બધા જ પ્રશ્નોના ઉત્તરો આપેલા છે. જેથી શરિયાના કાયદાઓના અનુસરણથી મહિલાઓના અધિકારો છીનવાયા નથી પણ સાચવી રખાયા છે. એમણે કહ્યું કે, મીડિયા અને રાજકારણીઓ આ મુદ્દાને ચગાવી અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓથી ધ્યાન બીજે વાળવા પ્રયાસો કરી રહ્યા છે. એમને પૂછાયું કે દેશમાં બે પ્રકારના કાયદાઓ કઈ રીતે ચાલી શકે એના જવાબમાં એમણે કહ્યું કે, બંધારણમાં પણ બધા ધર્મોને પોતાના અંગત કાયદાઓ મુજબ વર્તન કરવાનો અધિકાર અપાયેલ છે. શું અમે હિન્દુ અને ખ્રિસ્તીઓના અંગત કાયદાઓ બાબત કોઈપણ દિવસે કોઈ ટીકા ટિપ્પણી કરી છે તો પછી મુસ્લિમોના અંગત કાયદાઓમાં કેમ દખલગીરી કરવામાં આવે છે. એમણે કહ્યું કે, ઘણી વખત કોર્ટો પણ શરિયત વિરૂદ્ધના ચુકાદાઓ આપે છે અને આ ચુકાદાઓ પૂર્વ નિર્ણય થઈ જાય છે. સંસદ અમારા અંગત કાયદાઓમાં દરમિયાનગીરી કરે છે અને મીડિયા પણ એનો એકતરફી પાસુ જ રજૂ કરે છે. એમને પણ ઈસ્લામ બાબત ખરી માહિતી નથી. મીડિયા સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન પત્રકારોએ પ્રશ્નો પૂછયા કે મુસ્લિમ પુરૂષોને હિજાબ પહેરવા કેમ નથી કહેવાતું. મુસ્લિમ મહિલાઓને પણ ત્રિપલ તલાક કરી છૂટાછેડા આપવાનો અધિકાર કેમ નથી આપતા ? મુસ્લિમ પુરૂષો મહિલાઓને દબાવવા કેમ પ્રયાસો કરે છે ? પુરૂષો માટે હલાલા કેમ નથી ? વિગેરે પણ બોર્ડના સભ્યોએ ઉત્તરો આપ્યા નહીં અને વિવાદથી દૂર રહ્યા.