(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા પ્રેમીએ પ્રેમીકા સાથે લગ્ન કરી એક મહિના સુધી પત્ની તરીકે સારી રીતે રાખી ત્યારબાદ શારીરિક માનસિક ત્રાસ ગુજારવા લાગ્યો હતો. એટલું જ નહીં તેણે પત્ની સાથે વિશ્વાસઘાત કરી લોનના બહાને છૂટાછેડાના પેપર પર પત્નીની સહી કરાવી લીધી હતી. આ અંગે ખબર પડતા પરિણીતા ચોંકી ગઇ હતી અને પતિ વિરુદ્વ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર નાનપુરા ખાતે આવેલા પોપટ મોહલ્લામાં રહેતા ચેતેશ વિનોદભાઇ રેલિયાંવાલા અને ભૂમી (નામ બદલ્યું છે) એ એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના એક મહિના સુધી ચેતેશે પત્ની ભૂમીને સારી રીતે રાખી હતી પણ એક મહિના પછી તે પોતાની અસલીયત બતાવવા લાગ્યો હતો. પત્ની ભૂમીને અવાર-નવાર મારઝૂડ કરવા લાગ્યો હતો. એટલું જ નહીં તેને છૂટાછેડા માટે યોજના બનાવી હતી અને પત્નીને નહીં સમજે તે માટે અંગ્રેજીમાં કેટલાક પેપર લઇ આવ્યો હતો. ભૂમીને ઉપરોક્ત પેપર ઘરના લોન લેવા માટેના છે તેવો વિશ્વાસ આપી તેની પાસેથી પેપર ઉપર સહિં કરાવી લીધા હતા. સિગ્નેચર કરાવ્યા બાદ પણ ત્રણ મહિના સુધી તેણીને ઘરમાં રાખી હતી. ત્રણ મહિના પછી પતિનું આ કાવતરૂ અને દગાબાજી અંગે ભૂમીને ખબર પડતાં તે ચોંકી ગઇ હતી.