અમદાવાદ, તા.ર૬
આજની યુવા પેઢીના અનેક યુવાનો નશાના રવાડે ચઢયા છે. નશો કરવા માટે ડ્રગ્સ, દારૂ તો આસાનીથી મળતા નથી ત્યારે નીત નવા-નવા પદાર્થોનો ઉપયોગ નશો કરવા માટે કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ૧૬ વર્ષીય વિદ્યાર્થી વ્હાઈટનરનો નશો કરતો નશાનો બંધાણી થઈ ગયો છે. આ બનાવથી તેના પિતા પણ ચોંકી ગયા હતા અને સમગ્ર મામલે પોલીસ પાસે દોડી ગયા હતા. જે બાબત સમાજ માટે લાલબત્તી સમાન છે.
આજનું યુવાધન નશાના રવાડે ચઢ્યું છે. નશો કરવા માટે ડ્રગ્સ, દારૂ આસાનીથી મળી તો જાય છે પરંતુ તેના રૂપિયા વધુ પ્રમાણમાં હોવાથી યુવાનોએ નશો કરવા માટે નવી તરકીબ શોધી લીધી છે. બજારમાં મળતી કેટલીક એવી ચીજવસ્તુઓ છે જેનાથી નશો કરી શકાય છે. શાહીથી લખેલા લખાણમાં ભૂલચૂક થઇ હોય ત્યારે તેને ભૂંસવા માટે વ્હાઇટનર કે ઇરેઝર ઇંક નામનું પ્રવાહી વાપરવામાં આવે છે. જોકે તેનો ઉપયોગ નશાકારક પદાર્થ તરીકે થઇ રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. નવા નરોડા વિસ્તારમાં રહેતા એક ૩૮ વર્ષિય પિતાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં સ્ટેશનરીના સંચાલક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. બનાવની વિગતો જોઈએ તો ગઇ કાલે સાંજે સગીર પોતાના ઘરમાં જોરજોરથી નસકોરાં બોલાવીને કાંઇક સુંઘતો હતો. તેના પિતાએ રૂમમાં જઇને જોયું તો તે વ્હાઇટરનો નશો કરતો હતો. પિતાએ પુત્રને પુછ્યું કે તું આ શું કરે છે તો તેણે વ્હાઇટનરની ટ્યૂબ નીચે ફેંકી દીધી હતી અને જવાબ આપ્યો હતો કે વ્હાઇટનર સુંઘતો નથી ત્યાં સુધી મને સારું લાગતું નથી અને સુંઘું તો જ મને ચેન પડે છે. પિતાએ તેને પુછ્યું કે આ વ્હાઇટનર ક્યાંથી લાવે છે. જેથી પુત્રે કહ્યું કે ઇન્ડિયા કોલોની ખાતે આવેલ પ્રકાશ જનરલ સ્ટોરમાંથી લાવું છું. સ્ટેશનરી સ્ટોર્સના માલિકે આપ્યો હતો ઉડાઉ જવાબ પુત્ર વ્હાઇટનરનો એડિક્ટ બની જતાં પિતા પ્રકાશ જનરલ સ્ટોરના માલિક પ્રફુલ્લચંદ્ર જોશીને મળવા માટે ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે તમે નાનાં બાળકોને વ્હાઇટનર કેમ આપો છે તેનો તે નશા માટે ઉપયોગ કરે છે. પ્રફુલ્લચંદ્રે આ વાત સાંભળીને અંત્યત ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે અમારે ત્યાં કેટલાંય નાનાં બાળકો આવીને લઇ જાય છે તેનો તેઓ શું ઉપયોગ કરે છે. તેનાથી મારે શું લેવા દેવા છે. પિતાએ આ મામલે પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે પ્રફુલ્લચંદ્ર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને સ્ટેશનરીમાં સર્ચ કર્યું હતું. જેમાંથી ૫૮ નંગ વ્હાઇટનર મળી આવ્યાં હતાં. નશાના બંધાણીઓમાં વ્હાઇટનર પણ ખૂબ પ્રચલિત છે. માત્ર ૧૮ વર્ષની ઉંમરના વ્યક્તિઓ જ આ વસ્તુ ખરીદી શકતા હોવા છતાં સ્ટેશનરીની દુકાનમાં આસાનીથી બાળકો સાથે કોઇ પણ વ્યક્તિ આની ખરીદી કરી રહ્યાં છે. સ્વાસ્થ્ય માટે ખતરનાક આ તત્ત્વને હવે કેટલાક શખ્સો કેફી પદાર્થ તરીકે ઉપયોગમાં લઇ રહ્યા છે. ખરેખર તો વ્હાઇટનરમાં વપરાતાં કેમિકલ શરીર માટે અત્યંત હાનિકારક છે. વ્હાઇટનર ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિઓને વેચવાની મનાઇ છે. વ્હાઇટનર પર સ્પષ્ટ સૂચના લખવામાં આવી હોય છે કે,તેને પીવાથી કે શ્વાસમાં લેવામાં આવશે તો તે શરીર માટે હાનિકર્તા છે. આ વ્હાઇટનર ખૂબ જ જ્વલનશીલ પ્રદાર્થ હોવાથી તેને ગરમ જગ્યાથી દૂર રાખવાની પણ કહેવાયું છે. આ વ્હાઇટનરને રૂમાલ પર છાંટી તેને બાળી તેનો ધુમાડો સુંઘીને કે રૂમાલમાં લિક્વિડ નાખીને સૂંઘીને નશો કરાતો હોય છે. જાણકારોએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો નશો કરવાથી વ્યક્તિ થોડા કલાકો માટે મગજ પર કાબૂ ગુમાવે છે. વ્હાઇટનર સિવાય લોકો મેડિકલ સ્ટોરમાં મળતી કફ સિરપથી નશો કરે છે. પેટ્રોલ સુધીને નશો કરે છે. બ્રેડની વચ્ચે આયોડેક્સ બામ લગાવીને ખાય છે. જેનાથી નશો ચઢે છે. પેનની ઈન્ક અને થિનર પણ નશો થાય છે.