Ahmedabad

હેવાનિયતની હદ અને માનવતાની મહેક બન્ને જોઈ છે, પણ ન્યાય માટે અંતિમ શ્વાસ સુધી લડીશું

ગુલબર્ગકાંડમાં પરિવારના ૪ સભ્યોને ગુમાવનાર દંપતીની દર્દનાક દાસ્તાન

સલીમભાઈ સંધિ અને શાયરાબેન સંધિ : દર્દનાક કમનસીબ ઘટનાને આંખે જોનાર દંપતી

અમદાવાદ,તા.ર૮

ર૦૦રના ગુજરાતના કોમી રમખાણોમાં અમદાવાદના ચમનપુરા સ્થિત ગુલબર્ગ સોસાયટીને ચારે તરફથી ઘેરી લઈ વીસ હજારથી વધુ કટ્ટરવાદીઓએ જે હેવાનિયતની હદ વટાવી હતી. તેમાં ૬૯ જેટલા મુસ્લિમો શહીદ થયા હતા.  આ  ઘટનાનો ભોગ બનેલા પીડિતો આજે પણ ન્યાય માટે લડી રહ્યા છે ત્યારે એક એવો પરિવાર છે જેના ચાર સભ્યો આ કમનસીબ અને ગોઝારી ઘટનામાં શહીદ થયા હતા. તેઓ આજે પણ એ દિવસને ભૂલાવી શકતા નથી. સલીમભાઈ સંધી અને તેમનાં પત્ની સાયરાબેને આ ઘટનામાં પોતાનો પુત્ર ગુમાવ્યો, ભાઈ ગુમાવ્યો અને બે ભાભી પણ ગુમાવી. આ  તમામને તોફાની ટોળાએ બેરહેમીથી રહેંસી નાખ્યા હતા. જયારે શાયરાબેનને ટોળામાં જ આવેલા એક પચ્ચીસ વર્ષીય હિન્દુ યુવાને બચાવીને સલામત સ્થળે પહોંચાડી માનવતાનું જે ઉતમ ઉદાહરણ પુરૂં પાડયું  છે તે  હેવાનિયતની હદ સામે માનવતાની ઊચી મિશાલ કાયમ કરે છે.  શાયરાબેન અને સલીમભાઈના શબ્દોમાં કહીએ તો ર૮મી ફેબ્રુઆરીના રોજ સવારના ૯ વાગ્યાથી જ ટોળાં સોસાયટીની આસપાસ ભેગા થઈ સળગતા કાકડા અને પથ્થરમારો કરી રહ્યા હતા. ધીમે ધીમે પથ્થરમારો વધતો ગયો. સોસાયટીની બહાર આવેલી સાયકલની દુકાન ટોળાએ સળગાવી દીધી અને દુકાનવાળાને ચાકુ મારતાં તે ઘવાયેલ અવસ્થામાં દોડતો-દોડતો સોસાયટીના મેદાનમાં  આવી પડી ગયેલ અને શહીદ થઈ ગયો હતો. ત્યારબાદ મામલો વધારે સંગીન બનવા લાગ્યો. નાની-નાની કાચની શીશીઓમાં  જલદ પ્રવાહી ભરેલું હતું. જેનો મારો ટોળાએ સોસાયટી પર કર્યો. થોડીવાર માટે પોલીસ સાથે કમિશનર ટંડન સાહેબ આવ્યા જે અહેસાન જાફરીને મળીને મદદનો દિલાસો આપી ગયા પણ  મદદ આવી નહીં. ટોળું વધારે આક્રમક બન્યું. બપોરના બે વાગ્યાના સુમારે ટોળાએ બ્લાસ્ટ કરી સોસાયટીની દીવાલ ઉડાવી દીધી અને ટોળું સોસાયટીમાં પ્રવેશી ગયું. આગજની અને લૂંટ-ફાટ શરૂ થઈ ગઈ. મારો-કાપોની બૂમો વચ્ચે માનવતા ચોધાર આંસુએ રોઈ હતી. મારનાર હજારો બચાવનાર કોઈ નહીં. તલવારો, ધારિયા, પેટ્રોલ, સળગતા કાકડા સાથે ટોળાએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધી. સલીમભાઈના શબ્દોમાં અહેસાન જાફરીના ઘર  સામે સળગેલી લાશોનો મોટો ઢગલો પડયો હતો ૬૯ શહીદો પૈકી જયારે માત્ર ૩૦ જેટલી જ ડેડબોડી મળી છે. જયારે ૩૯ ડેડ બોડી મળી નથી. તેથી અમને તો આ કેસમાં સરકાર દ્વારા રચાયેલ કમિટીની તપાસ પણ યોગ્ય રીતે થઈ હોય તેવું લાગતું નથી. બધુ પતી ગયું પછી પોલીસ આવી. બીજું એ કે આ એક પ્રી-પ્લાન હતો. ટોળાએ પોતાનો ટાર્ગેટ પૂરો કર્યો પછી જ એ સોસાયટીથી દૂર ગયા. જયારે શાયરાબેનના શબ્દોમાં ચારે તરફ આગ,લૂંટ-ફાટ,એ લોકો તમામ તૈયારીઓ ત્યાં સુધી કે લોખંડ કાપવાના કટર પણ લઈને આવ્યા હતા. બહેન-દીકરીઓની આબરૂ લૂટાઈ, જીવતા સળગાવાયા બધુ જ થયું જાણે કે માનવતા જ મરી પરવારી હોય પણ જેવા  ટોળાએ મને અહેસાન જાફરીના ઘરમાંથી ખેંચી કે તરત જ   ટોળામાં આવેલો એક રપ વર્ષીય યુવાન  બોલ્યો આ તો મારા મિત્રની મમ્મી છે.  મે કહ્યું હું ગુજરાતી છું. અહેસાન જાફરીના ત્યાં ઘરકામ કરવા આવું છું. એટલે પેલો યુવાન મને બહાર લઈ જવા લાગ્યો પણ ટોળાએ મારા ગળામાંનો  સોનાનો દોરો પણ  તોડી લીધો અને મારી કાનની બુટ્ટી કાઢવા એટલી જોશથી કાન ખેંચ્યો કે જેની પીડા શબ્દોમાં કહી શકાય એમ નથી. એ યુવાન મને ટોળામાંથી ખેંચી બહાર લઈ આવ્યો. મેં સગી આંખે આ દર્દનાક કમનસીબ ગોઝારી ઘટના જોઈએ પગમાં ફોલ્લાં પડી ગયા હતા. ચારે તરફ આગ  હતી. મે યુવાનને કહ્યું મને અંદર જવા દો તો તેણે કહ્યું જો એમને ખબર પડશે કે તમને  બચાવવા મેં ખોટું કહ્યું છે તો એ મને પણ મારી નાખશે (આ હતી ટોળાંની હેવાનિયત) એમ કહી એમને ત્યાંથી સિવિલ લઈ આવ્યો પછી મારા સંબંધીને ફોન કર્યો તો મારા સંબંધી પણ  ડરતા હતા, મને લેવા આવવામાં. પણ એક  કાકાનો દીકરો હિમ્મત કરી સાયકલ લઈ આવ્યો અને મને પાછળ બેસાડી દૂધેશ્વર શાહીબાગ લઈ આવ્યો. એ દિવસ કદી ભૂલાય એમ નથી. અમને ન્યાય જોઈએ છીએ. મેં આ ગોઝારા દિવસે હેવાનિયતની હદ પણ જોઈ છે અને માનવતાની મહેક પણ. છતાં હું ન્યાય માટે લડીશ. આવા હેવાનોને ન્યાયતંત્ર કડકમાં કડક સજા કરે એ માટે અમે છેલ્લા શ્વાસ સુધી તટસ્થ રહી લડીશું. આવા કેસમાં કેટલાક સાક્ષી ફરી પણ જાય છે પણ અમે અંતિમ ક્ષણ સુધી લોકશાહી ઢબે લડીને ન્યાય લઈને જ જંપીશું.

Related posts
AhmedabadReligion

જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
Read more
AhmedabadSports

રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
Read more
AhmedabadSports

અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *