(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૯
રાજ્યમાં અતિવૃષ્ટિ કમોસમી વરસાદ અને એક પછી એક વાવાઝોડાની આફત બાદ હાલ ગુજરાતમાં સામાન્ય વાતાવરણ બનવા જઈ રહ્યું છે અને ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે. આમ તો નવેમ્બર માસમાં ઠંડીનો પ્રારંભ થતો હોવાથી ખાસ ઠંડી પડતી નથી ફુલગુલાબી ઠંડીનો માહોલ હોય છે પરંતુ ર૯ નવેમ્બર, ૧૯૭પના રોજ અમદાવાદમાં ૮.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા અમદાવાદીઓ રીતસરના ધ્રુજી ઉઠ્યા હતા. સામાન્ય રીતે નવેમ્બર માસમાં લઘુત્તમ તાપમાન ૧૧થી ૧પ ડિગ્રી આસપાસ રહે છે. એટલે કે, ફુલગુલાબી ઠંડીનો અનુભવ થતો હોય છે. છેલ્લા દસ વર્ષમાં નવેમ્બર માસમાં પડેલી ઠંડીનો રેકોર્ડ જોતાં ર૯ નવેમ્બર, ર૦૧રના રોજ અમદાવાદમાં ૧૧.૩ ડિગ્રી ઠંડી પડી હતી. જ્યારે રપ નવેમ્બર, ર૦૧૬ના રોજ ૧૧.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે ગત નવેમ્બર ર૦૧૮ના રોજ ૧૪.ર ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં આગામી દિવસમાં ઠંડીમાં આંશિક વધારો થવાની શક્યતા છે. આજરોજ અમદાવાદમાં ૧૮.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. શહેરોની વાત કરીએ તો ભૂજમાં ૧૮.૪ ડિગ્રી, ડીસામાં ૧૮.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૯ ડિગ્રી, વડોદરામાં ૧૯.૪ ડિગ્રી અને સુરતમાં ર૧.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.