અમદાવાદ, તા.૮
રાજ્યભરમાં કાતિલ ઠંડીનો કહેર બીજા દિવસે પણ યથાવત્‌ રહેતા સમગ્ર પ્રકૃતિ ઠંડીની અસર હેઠળ આવી ગઈ છે. જનજીવન પર કાતિલ ઠંડીની વ્યાપક અસર જોવા મળી છે. એક તરફ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો બીજી તરફ ઘટતા લઘુતમ તાપમાનને કારણે લોકો ગાત્રો થીજીવી દેતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. આજે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન ૪ ડિગ્રી જ્યારે નલિયામાં પારો પ.પ ડિગ્રી નોંધાતા લોકોએ ભારે ઠંડીનો અનુભવો કર્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીનું મોજું ફેલાઈ જવા પામ્યું છે. ઠંડા પવનો ફૂંકાતા લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું, જ્યારે કાતિલ ઠંડીનો સામનો કરવા લોકોએ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ તાપણાનો સહારો લીધો હતો. ખાસ કરીને મોડી રાત્રે તથા વહેલી સવારે લોકોએ જોરદાર ઠંડીનો અનુભવ કર્યો હતો, જ્યારે આવનાર દિવસોમાં પણ એકાદ સપ્તાહ સુધી તો ઠંડીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. આજે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન ૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે નલિયામાં પ.પ, ગાંધીનગરમાં ૭.૮, ડીસામાં ૮.ર, કંડલા એરપોર્ટ પર ૮.૬, વડોદરા ૯, વલસાડ, ૯.૧, અમરેલી ૯.૬, દીવ ૯.૬, ભૂજ ૧૦, રાજકોટ ૧૦.૧, કંડલા પોર્ટ ૧૦.૩ અને અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું. માત્ર બે દિવસના ગાળામાં જ લઘુતમ અને મહત્તમ તાપમાનનો ૪થી ૬ ડિગ્રીનો ઘટાડો થતાં કાતિલ ઠંડીનું સામ્રાજ્ય નિર્મિત થયું છે, ત્યારે આગામી સપ્તાહમાં પણ ઠંડીનો ચમકારો યથાવત્‌ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન ?
સ્થળ લઘુતમ તાપમાન
નલિયા ૫.૫
ગાંધીનગર ૭.૮
ડીસા ૮.૨
કંડલા એરપોર્ટ ૮.૬
વડોદરા ૯.૦
વલસાડ ૯.૧
અમરેલી ૯.૬
દીવ ૯.૬
ભૂજ ૧૦.૦
રાજકોટ ૧૦.૧
કંડલા પોર્ટ ૧૦.૩
અમદાવાદ ૧૧.૦