(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
દિલ્હીની તીસ હજારી કોર્ટમાં પ્રેક્ટિસ કરતી મહિલા અફશાન પ્રાચાએ જણાવ્યું કે, અહીંયા પ્રેક્ટિસ કરવી એ જાતીય સતામણીના દુઃસ્વપ્નોથી ઓછું નથી. બધા જ ક્ષેત્રોમાં મહિલાઓનું જાતીય શોષણ થાય છે. એમને ત્રાસ અપાય છે. જેમાંથી દિલ્હીની ટ્રાયલ કોર્ટોની મહિલા વકીલો પણ બાકાત નથી. વકીલોને સમાજમાં જાગૃત વ્યક્તિઓ સમજવામાં આવે છે પણ દિલ્હીની બાર એસોસિએશન એમને ગણકારતી નથી. અહીં પુરૂષોનો એક ચક્રી શાસન અકબંધ છે. એમણે પોતાની વીતક વ્યથા જણાવતા કહ્યું કે, વકીલોએ કામ કાજથી અળગા રહેવા પ્રસ્તાવ કર્યું હતું. તે દિવસે ફક્ત બે જ મિનિટ માટે કોર્ટમાં અસીલ અને જજ સાથે વાત કરવા ગઈ હતી જેના પગલે મને મારમારવામાં આવ્યું અને અપશબ્દો કહેવામાં આવ્યા અને ઉપરથી મારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી કે મેં સેક્રેટરીના જુનિયરનો સોનાનો દોરો અને રોકડ ઝુંટવવા પ્રયાસ કર્યો હતો. મેં જે માર મારવાની ફરિયાદ લખાવી હતી એને ખોટી ઠરાવતા કહ્યું હતું કે, દિલ્હીની કોર્ટોમાં મહિલા વકીલો સુરક્ષિત છે એમને કોઈ ફરિયાદ અમારી સામે નથી. દિલ્હીની કોર્ટમાં બાર એસોસિએશનના પુરૂષ સભ્યો સામે ફરિયાદ કરનાર આ એકલી વકીલ નથી. આવી તો અસંખ્ય મહિલાઓ બહાર આવી છે અને કહે છે કે એમને પુરૂષ વકીલો દ્વારા ત્રાસ આપવામાં આવે છે. જાતીય ટિપ્પણીઓ કરાય છે અને માર પણ મારવામાં આવે છે. પ્રાચાએ કહ્યું કે, સાંજ પડતા જ અમે ખૂબ જ અસુરક્ષિત અનુભવ કરીએ છીએ. વકીલો કોર્ટમાં જ દારૂની મહેફીલ શરૂ કરી દે છે. ખરેખર અમે અસુરક્ષિત છીએ. આજ કોર્ટમાં હુમલાનો ભોગ બનેલ માર્લી નોશીએ કહ્યું. આ વકીલોને કોઈનો ભય જ નથી. એ સમજે છે કે એમને આ બધું કરવાનો અધિકાર મળેલ છે.