(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે. બીજી બાજુ મહિલા પોલીસકર્મીઓ સાથે ફરજના નામે જોહુકમી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે રજૂઆત કરવા છતાં તેનીને એક વર્ષનાં દિકરા સાથે અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પનાં બંદોબસ્તમાં મોકલવામાં આવ્યા છે. દિકરાની આંખમાં ઇન્ફ્કેશન હોવા છતાં સાથે લઇને સંગીતાબેન પરમાર ૧૯ ફેબ્રુઆરીથી અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ ખાતે ૨૪ ફેબ્રુઆરીનાં રોજ આવી રહેલા અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના બંદોબસ્તમાં ૫૦૦ થી વધુ પોલીસજવાનો મોકલવામાં આવ્યા છે. જેમાં વડોદરા શહેરના આઇપીસીએલ ટાઉનશીપમાં રહેતા અને વડોદરાના ગોરવા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંગીતાબેન રણજીતસિંહ પરમારને પણ મોકલવામાં આવ્યા છે. તેઓને એક વર્ષનો પુત્ર ધ્રુવ છે અને આજે પણ તે સ્તનપાન કરે છે. તેઓને અમદાવાદના રાયચંદનગર રોડ પર બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ સંગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, મને ૧૯ ફેબ્રુઆરીનાં રાતથી બંદોબસ્તમાં મોકલવામાં આવી છે. મને એક વર્ષનો પુત્ર છે. તેને આંખોમાં ઇન્ફેકશન થયું છે તે આંખો ખોલી શકતો નથી. ગઇકાલે હું સાતેજ ગામમાં રહેતા મારા સંબંધીના ઘરે પુત્રને મુકીને બંદોબસ્તમાં આવી હતી. મારો જ્યા બંદોબસ્ત છે ત્યાંથી ૨૪ કિલોમીટર દુર ગામ છે. મારો પુત્ર ગઇકાલે આખો દિવસ રડયો છે. આજે હું મારી સાથે બંદોબસ્ત સ્થરે લઇને આવી છું. બંદોબસ્ત સ્થળે સાડીનો ઝુલો બાંધીને આરામ કરાવી રહી છું. મારો પુત્ર નાનો હોવાથી બંદોબસ્તમાં ના મોકલવા માટે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ મારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી. જે મહિલા કર્મચારીઓનાં નાના બાળકો હોય તેમને બંદોબસ્તથી દુર રાખવા જોઇએ એમ તેનીએ જણાવ્યું હતું.