(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૪
લોકસભાની ગુજરાતની બેઠકો માટે ઉમેદવારી પત્રકો ભરવાના આજના અંતિમ દિવસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાજર રહેલા બે મુખ્ય રાજકીય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ઘર્ષણ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. આ ઘટનામાં કોંગ્રેસની નગર સેવિકા કપીલાબેન પટેલના કપડા સુદ્ધા ફાંડી નંખાયા હતા. જેથી સુરતના અઠવાલાઇન્સ ખાતેના જિલ્લા સેવા સદન ખાતે આજે બપોરે કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલ અને ભાજપના ઉમેદવાર દર્શના જરદોષ ઉમેદવારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો સાથે હાજર રહ્યા હતા. દરમિયાન રસ્તા ઉપર પાર્ક કરેલ કોંગ્રેસની ગાડીઓને પોલીસ દ્વારા ખસેડવાની વાત કરાઈ હતી. ત્યારે ભાજપના કાર્યકરોના વાહનો પણ રસ્તામાં પાર્ક કર્યા હતા. જે પોલીસ ખસેડતી ન હતી. આ અંગે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જીભાજોડી થવા પામી હતી. જે બાદમાં મોટો હોબાળામાં પરીણમી હતી. જેથી બંને પક્ષોના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થવા પામી હતી. આ દરમિયાન કોંગ્રેસની મહીલા કોર્પોરેટર કપિલા પટેલના કપડા ફાડવામાં આવ્યા હતા. જ્યારે મેઘના પટેલને ચોટલો પકડીને ભાજપની મહિલા કાર્યકર્તાઓ દ્વારા માથામાં ઈજા કરવામાં આવી હતી. આ પરિસ્થિતિને બંને પક્ષોના અગ્રણીઓએ યેનકેન રીતે પોલીસની મધ્યસ્થિતીથી કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ બાદમાં બંને પક્ષના કાર્યકર્તાઓ ચોકીદાર ચોર છે ના મુદ્દે ફરી સામસામે આવી ગયા હતા. જેથી પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ થાળે પાડવા માટે કોંગ્રેસના સીનિયર નેતાઓએ તેમજ ભાજપના આગેવાન સી.આર. પાટીલ અને નીતિન ભજિયાવાલાએ કાર્યકરોને સમજાવીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે પોલીસ કોર્પોરેટર કપિલાબેન પલ્કેશકુમાર પટેલને ઉમરા પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાંથી સારવાર માટે કપિલા પટેલ, મેઘના પટેલ સહિત ઘાયલ મહિલા કાર્યકર્તાઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પરંતુ બંને પક્ષે પોલીસ ફરિયાદ કરવાનું મોડે સુધી ટાળવામાં આવ્યું હતું.