(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
મહિલાઓ હવે પુરૂષ સમોવડી બનતી જાય છે. અમુક ક્ષેત્રો એવા છે, જ્યાં મહિલાઓ નોકરી કરે તે હાસ્યાસ્પદ કે માની ન શકાય તેવું મનાતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. અતિ મોંઘવારી, મંદી, આર્થિક સમસ્યા, મોંઘું શિક્ષણ સહિતના કારણોસર સામાન્ય પરિવારને બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. એટલે મહિલાઓએ પણ એવા ક્ષેત્રમાં ઝંપલાવવું પડે છે, જ્યાં અત્યાર સુધી પુરૂષોનો ઈજારો હતો. ગુજરાત એસટી નિગમની બસોમાં મહિલા કંડક્ટર તો જોઈ હશે, પરંતુ હવે મહિલા ડ્રાઈવર પણ જોવા મળશે એ પણ સાદી કે લક્ઝરી નહીં વોલ્વો બસ ચલાવતી જોવા મળશે. ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં વોલ્વો બસ પણ દોડાવવામાં આવે છે, પરંતુ એસટી નિગમે મહિલાઓ પણ પુરૂષ સમોવડી છે, તે સાબિત કરી બતાવવા પાંચ મહિલાઓને વોલ્વો બસ ચલાવવાની તાલીમ આપવા બેંગ્લુરૂ મોકલી છે. લગભગ છ માસની તાલીમ બાદ એપ્રિલ ર૦ર૦ સુધી પાંચ મહિલા ડ્રાઈવરોને ગુજરાતમાં વોલ્વો બસ ચલાવવા અપાશે મોટાભાગે અમદાવાદથી સુરત વચ્ચે દોડતી વોલ્વો બસોમાં મહિલા ડ્રાઈવર અને કંડક્ટર પણ મહિલા મૂકવાનું નક્કી કરાયું છે. દેશભરમાં ગુજરાત પ્રથમ એવું રાજ્ય હશે કે જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઈવર ચલાવતી હશે. અત્રે નોંધનીય છે કે, સામાન્ય બસ ચલાવવી સહેલી છે, પરંતુ વોલ્વો બસ અત્યાધુનિક ટેકનોલોજીવાળી હોવાથી તેને નિયંત્રણ કરવી ખૂબ મુશ્કેલ છે. આથી આ માટે તાલીમ પામેલા નિષ્ણાંત ડ્રાઈવરો જ રાખવા પડે છે. ગમે તેટલો અનુભવી ડ્રાઈવર હોય તો પણ વોલ્વો બસ ચલાવવા તેને તાલીમ આપવી પડે છે. આથી આ પાંચ મહિલાઓની તાલીમ પૂર્ણ થયા બાદ વોલ્વોમાં મહિલા ડ્રાઈવરો જોઈ શકાશે.