સુરત, તા.૧૨
વલસાડ રેલવે સ્ટેશનની સ્કવોડની મહિલા ટીસી જાગૃતિ ચાંપાનેરીયાએ મુંબઇ ડિવિઝનમાં એક જ દિવસમાં સૌથી વધુની રકમનો દંડ વસૂલીને રેકોર્ડ બનાવ્યો છે. મહિલા ટીસીએ ટિકિટ વગરના કુલ ૧૮૪ મુસાફરો પકડીને એક જ દિવસમાં ૧.૦૯ લાખનો દંડ વસૂલ્યો હતો.
મહિલા ટીસીએ સુરતથી વ્યારા વચ્ચે ૨ એક્સપ્રેસ ટ્રેન અને ૩ પેસેન્જર ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરતા તેમજ જનરલ ટિકિટ પર સ્લીપરમાં મુસાફરી કરી રહેલાઓ પાસે ૧ લાખ રૂપિયાથી વધુની રકમનો દંડ વસૂલ્યો હતો. મુંબઇ ડિવિઝન સિટીઆઈ (એ)ઇન્ચાર્જ જેક પરમારની ટીમમાં ડેપ્યુટી સિટીઆઈ તરીકે ફરજ બજાવતા જાગૃતિ ચાંપાનેરિયા ૯ નવેમ્બરે પોતાની ડ્યુટી પર હતા એમની ડ્યુટી ૧૦ ટીસી સ્કોડ સાથે હતી.
સવારે ૮થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન ટ્રેનોમાં ટિકિટ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૮૪ ટિકિટ વગરના મુસાફરો પકડાયા હતા. જેમની પાસે ૧ લાખ ૯હજાર ૭૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે બીજી ટીમોએ ૪૦થી ૫૦ હજાર સુધીનો દંડ વસૂલ્યો હતો. મોટાભાગની લાંબા અંતરની ટ્રેનોમાં ચેકીંગ હાથ ધરાયું હતું.