દર વર્ષે રૂા.૧,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાય છે છતાં…

 

યુનિ. કેમ કામ કરતી નથી એમાં હું કંઈ કહી ન

શકું : રંજના હરીશ

અંગ્રેજી વિભાગ અને WDC સેલના નિવૃત્ત અધ્યક્ષ રંજના હરીશે જણાવ્યું હતું કે, શરૂઆતમાં આ સેલને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અનેક કેસો નોંધાયા હતા અને તેજ સમયે એનો નિકાલ પણ કરાયો હતો. જો આજે WDCની શું સ્થિતિ છે અને એ કેમ કામ કરતું નથી હવે યુનિવર્સિટીની જવાબદારી છે એમાં હું કંઈ કહી શકું એમ નથી.

 

(સંવાદદાતા દ્વારા)    અમદાવાદ, તા.ર૬

રાજ્યની સૌથી મોટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોના હિતના રક્ષણાર્થે તેમજ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે  વર્ષો પહેલા સ્થપાયેલ WDC (વુમન્સ ડેવલપમેન્ટ સેલ) આજે માત્ર દેખાડા ખાતર ચાલુ રાખી આના નામે વિદ્યાર્થીઓ પાસેથી દરવર્ષે દસ લાખ ખંખેરાતા વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. તેમજ WDCના અધિકારીઓ પણ નામ માત્ર કામગીરી કરી સંતોષ માનતા  હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.  સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે રાજ્યની દરેક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થિનીઓ અને પ્રોફેસરોને મૂંઝવતા, પજવણી, રેગિંગ, બળાત્કાર સહિતના પ્રશ્નોનો નિકાલ લાવવા WDC (વુમન્સ ડેવલપમેન્ટ સેલ)ની સ્થાપના કરવા જણાવાયું હતું. જે અનુસંધાને રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટીમાં WDCની સ્થાપના વર્ષ-ર૦૦પમાં કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં આ સેલમાં અનેક કેસો નોંધાયા અને સમયસર એનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ ભૂતપૂર્વ કુલપતિની સામે પણ ફરિયાદ નોંધાઈ હતી અને તે દરમ્યાન એમની સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જ્યારે એનાથી વિપરિત આજે વુમન્સ ડેવલપમેન્ટ સેલમાં ફરિયાદ નોંધાવવા જતી પીડિતાઓએ તાળું જોઈ માત્ર ધક્કા-ખાવાની ફરજ પડે છે. પીડિતા જો WDCના અધિકારીઓને મળીને ફરિયાદ પણ નોંધાવે તો તેઓના ઉદ્ધતાઈ ભર્યા વર્તનને કારણે હતોત્સાહ થઈ જાય છે. જ્યારે ચોંકાવનારી વાત તો એ છે કે વિદ્યાર્થિનીઓના હિત માટે સ્થપાયેલ WDC સેલ શું છે ? અને ક્યાં આવેલું છે ? તેની ખબર જ નથી. વિદ્યાર્થીઓને નથી

આ અંગે ગુજરાત યુનિવર્સિટીના એક સત્તાધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં અભ્યાસ કરતા આશરે પ૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે રૂા.ર૦ લેખે રૂા.૧,૦૦,૦૦૦ વુમન્સ ડેવલપમેન્ટ સેલના નામે ઉઘરાવવામાં આવે છે. જો કે આ ડિપાર્ટમેન્ટમાં કાયમ તાળું જોવા મળતું હોવાથી તેમાં ફરિયાદ નોંધાવાય છે કે કેમ? પણ એક પ્રશ્ન છે. ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવતા પૈસા કયાં જાય છે એની તપાસ કરવી રહી. વગર કામે લેવાતા પૈસા સામે વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.