નવી દિલ્હી,તા.૧
ભારતના ટોચના પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે સારી શરુઆત કરતા આજે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે. તેમજ સાઈના નહેવાલે પણ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં તુર્કીની અલિયે ડેમિરબેગને ૨૧-૧૭, ૨૧-૮થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે.
આ ઉપરાંત સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડીએ પણ મિક્સ્ડ ડબલ્સમાં જીત મેળવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. શ્રીકાંતે પુરુષ સિંગલ વર્ગના પ્રથમ તબક્કામાં આયર્લેન્ડના નહાત ગુયેનને સીધા સેટોમાં ૨૧-૧૫, ૨૧-૧૬થી હરાવીને જીત મેળવી છે. આગામી તબક્કામાં તેમનો સામનો સ્પેનના પાબ્લો આબિયાન સામે થશે.
સાત્વિકસાઇરાજ અને પોનપ્પાની જાડીએ બીજા તબક્કામાં જર્મનીની માર્ક લામ્સફુસ અને ઈસાબેલ હેર્ટરીકની જાડીને ૧૦-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૮થી હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે, જ્યાં તેનો સામનો મલેશિયાની ગોહ સૂન હુઆત અને શેવોન જેમીની જાડી સામે થશે.મિક્સ્ડ ડબલ્સ વર્ગમાં પ્રણવ જૈરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીની જોડીએ હારનો સામનો કરવો પડ્યો છે. પ્રણવ અને સિક્કીની જાડીને બીજા તબક્કામાં ઈંડોનેશિયાની હાફિઝ ફૈઝલ અને ગ્લોરીયા ઈમાનુએલની જાડીએ સીધા સેટોમાં ૨૧-૧૬, ૨૧-૪થી માત આપી બહાર કરી દીધી છે.