વોશિંગ્ટન,તા.૫
વર્લ્ડ બેન્કે દુનિયાભરમાં પોતાના વિવિધ પ્રોજેક્ટમાંથી કેટલાય ભારતીયો અને ભારતીય કંપનીઓને પ્રતિબંધિત કરી દીધા છે. વર્લ્ડ બેન્કે આ વર્ષે અનેક ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. વર્લ્ડ બેન્ક દ્વારા કુલ ૭૮ કંપનીઓ અને વ્યક્તિઓને પ્રતિબંધિત કરવામાં આવી છે.
વર્લ્ડ બેન્ક ગ્રુપ સેંક્શન્સ સિસ્ટમ એન્યુઅલ રિપોર્ટ-૨૦૧૮ અનુસાર ભારતની ઓલિવ હેલ્થ કેર અને જય મોદીને છેતરપિંડી અને ભ્રષ્ટાચારના કારણે અનુક્રમે સાડા દશ વર્ષ અને સાડા સાત વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેઓ બાંગ્લાદેશના વર્લ્ડ બેંક પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા.
ભારતની એન્જેલિક ઇન્ટરનેશનલ પર પણ સાડા ચાર વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મધુકોન પ્રોજેક્ટ પર બે વર્ષ અને આરકેડી કન્સ્ટ્રક્શન પર પણ દોઢ વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. આર્જેન્ટિના અને બાંગ્લાદેશના વર્લ્ડ બેન્કના પ્રોજેક્ટ પર કામ કરી રહેલ ફેમિલી કેરને ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરાઇ છે.
એ જ રીતે ગ્લોબલ એન્વાયરન્મેન્ટ, એસએમસીઇ ઇન્ડિયા અને મેકલોડ્‌સ ફાર્માસ્યુટિકલ્સને પણ એક વર્ષ કરતા ઓછા સમય માટે પ્રતિબંધિત કરાયા છે. પાંચ કંપની પર શરતી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.