નવીદિલ્હી-મુંબઈ,તા.૮
ઇંગ્લેન્ડની યજમાનીમાં થનાર આગામી આઇસીસી વન ડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત ૧૫મી એપ્રિલના રોજ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની સિનિયર સિલેકશન કમિટી અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આવતા સોમવારના રોજ મુંબઇમાં બેઠક કરશે.
મળતી માહિતી પ્રમાણે વિરાટની સાથે આ કમિટીની બેઠક બાદ જ ટીમની જાહેરાત કરાશે. વર્લ્ડ કપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની વચ્ચે ૩૦મીમેના રોજ રમાશે અને ટુર્નામેન્ટની ફાઇનલ ૧૪મી જુલાઇના રોજ હશે.
બે વખત ચેમ્પિયન ભારતની સંભવિત ટીમ જો કે નક્કી મનાઇ રહી છે પરંતુ નંબર-૪ માટે કયા ખેલાડીને તક અપાશે. આ બેઠકમાં ચર્ચાનો મોટો મુદ્દો થઇ શકે છે. ભારતીય ટીમ આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ સાઉથ આફ્રિકાની સામે ૫ જૂનના રોજ રમશે.ચેન્નાઇ સુપર કિંગ્સના અંબાતી રાયડુ, સનરાઇઝર્સ હૈદ્રાબાદના વિજય શંકર, કોલકત્તા નાઇટ રાઇડર્સના દિનેશ કાર્તિક, મુંબઇ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યા, દિલ્હી કેપિટલ્સના ઋષભ પંત અને ઇશાંત શર્મા, કિંગ્સ ઇલેવન પંજાબના કેએલ રાહુલ, રાજસ્થાન રોયલ્સના અજિંકય રહાણે. આ ખેલાડીઓને વર્લ્ડ કપની ટિકિટ મળી શકે છે.
વિશ્વ કપ ૨૦૧૯માં ટીમ ઈન્ડિયાનો કાર્યક્રમ
૧. ભારત સામે સાઉથ આફ્રિકા, સાઉથેમ્પ્ટન – ૫ જૂન
૨. ભારત સામે ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ – ૯ જૂન
૩. ભારત સામે ન્યૂઝીલેન્ડ, ટ્રેન્ટ બ્રિજ – ૧૩ જૂન
૪. ભારત સામે પાકિસ્તાન, ઓલ્ડ ટ્રૈફોર્ડ – ૧૬ જૂન
૫. ભારત સામે અફગાનિસ્તાન, સાઉથેમ્પ્ટન – ૨૨ જૂન
૬ ભારત સામે વેસ્ટ ઈન્ડિઝ, ઓલ્ડ ટ્રૈફોર્ડ – ૨૭ જૂન
૭. ભારત સામે ઈંગ્લેન્ડ, એઝબેસ્ટન – ૩૦ જૂન
૮. ભારત સામે બાંગ્લાદેશ, એઝબેસ્ટન – ૨ જુલાઈ
૯. ભારત સામે શ્રીલંકા, લીડ્‌સ – ૬ જુલાઈ