મેડ્રીડ,તા. ૪
આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપ ફુટબોલ માટે ક્વાલિફાઇંગ મેચો ચાલી રહી છે. એકથી એક રોમાંચક અને દિલધડક મેચો રમાઇ રહી છે. આના ભાગરૂપે જ શક્તિશાળી ફ્રાન્સ અને લક્સેમ્બર્ગ વચ્ચેની મેચ રમાઇ હતી. આશ્ચર્યજનક રીતે આ મેચમાં ફ્રાન્સ જેવી ટીમ લક્સેમ્બર્ગને હાર આપવામાં નિષ્ફળ રહી હતી. આની સાથે જ ઓટોમેટિકરીતે ક્વાલિફાઇંગ થવામાં ફ્રાન્સની આશા પર પાણી ફરી વળ્યુ હતુ. ટ્રાઉલોસ ખાતે રમાયેલી મેચમાં બન્ને ટીમો ગોલ કરી શકી ન હતી. ગુરૂવારના દિવસે હોલેન્ડ અથવા તો નેધરલેન્ડ જેવી શક્તિશાળી ટીમ પર ૪-૦થી જીત મેળવી લેનાર ફ્રાન્સની ટીમના સ્ટાર ખેલાડી લક્સેમ્બર્ગના ડિફેન્સને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. ફ્રાન્સને મેચની પાંચમી મિનિટમાં લીડ મળી જાય તેવી સ્થિતી હતી પરંતુ ગ્રીઝમેન ફ્લોપ રહ્યો હતો. ગ્રુપ એમાં ફ્રાન્સ ટોપ પર છે. દરમિયાન બેલ્જિયમે વર્લ્ડ કપ માટેની ટિકિટ મેળવી લેવામાં સફળતા મેળવી હતી. એથેન્સ ખાતે રમાયેલી મેચમાં બેલ્જિયમે ગ્રીસ પર ૨-૧થી જીત મેળવી હતી. ૭૪મી મિનિટમાં માન્ચેસ્ચર યુનાઇટેડ તરફથી રમી રહેલા અને બેલ્જિયમના સ્ટાર ખેલાડી રોમેલુ લુકાકુએ શાનદાર ગોલ કર્યો હતો. ગ્રીસ તરફથી પણ મોડેથી ગોલ કરવામાં આવ્યો હતો. ગ્રુપ એચમાં બેલ્જિયમ હવે બોસ્નિયા પર આઠ પોઇન્ટની લીડ ધરાવે છે. દરમિયાન ગ્રુપ એની મેચમાં બીજા ક્રમ પર રહેલા સ્વીડને જોરદાર વાપસી કરીને બેલારૂસ પર ૪-૦થી જીત મેળવી હતી. સ્વીડનની આ પહેલા બલ્ગારિયા સામે હાર થઇ હતી. અન્ય એક મેચમાં હોલેન્ડ અથવા તો નેધરલેન્ડે બલ્ગારિયા પર ૩-૧થી જીત મેળવી હતી. અન્ય તમામ મેચો પણ રોમાંચક રહી હતી. બીજી બાજુ સ્પેને ઇટાલી જેવી શક્તિશાળી ટીમ પર ૩-૦થી જીત મેળવી હતી. સ્વીત્ઝર્લેન્ડે લેટવિયા પર ૩-૦થી જીત મેળવી હતી. પોર્ટુગલની હંગેરી પર ૧-૦થી જીત થઇ હતી. સિલ્વાએ પોર્ટુગલ તરફથી ગોલ કર્યો હતો.
પરિણામો

ફ્રાંસ-લક્સેમ્બર્ગની મેચ ૦-૦થી ડ્રો
બેલ્જિયમની ગ્રુપ એચની મેચમાં ગ્રીસ પર ૨-૧થીજીત
સ્વિડનની ગ્રુપ એની મેચમાં બેલારુસ ઉપર ૪-૦થી જીત
નેધરલેન્ડની ગ્રુપ એની મેચમાં બલ્ગારિયા ઉપર ૩-૧થી જીત
ગ્રુપ બીમાં સ્વિત્ઝર્લેન્ડની લેટવિયા ઉપર ૩-૦થી જીત
પોર્ટુગલની હંગેરી ઉપર ૧-૦થી જીત
સ્પેનની ગ્રુપ જીમાં ઇટાલી ઉપર ૩-૦થી જીત્ે

આજની મેચો

અરમેનિયા-ડેનમાર્ક (૯.૩૦થી પ્રસારણ)
અજરબેજાન-શાનમારિનો (૯.૩૦થી પ્રસારણ)
ઇંગ્લેન્ડ-સ્લોવાકિયા (૧૨.૧૫થી પ્રસારણ)
જર્મની-નોર્વે (૧૨.૧૫થી પ્રસારણ)
મોન્ટેગારો-રોમાનિયા (૧૨.૧૫થી પ્રસારણ)
નોર્થન આયર્લેન્ડ-ચેકગણરાજ્ય (૧૨.૧૫થી પ્રસારણ)
પોલેન્ડ-કઝાકિસ્તાન (૧૨.૧૫થી પ્રસારણ)
સ્કોટલેન્ડ-માલ્ટા (૧૨.૧૫થી પ્રસારણ)
સ્લોવેનિયા-લીથુનિયા (૧૨.૧૫થી પ્રસારણ)