(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૬
દરેક ક્ષેત્રમાં અને તેમાં પણ ખાસ કરીને વિકાસ ક્ષેત્રે દેશભરમાં ગુજરાત નં.૧ હોવાના દાવા કરતી ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં સમયાંતરે વિવિધ પ્રકારની બહાર આવતી સત્તાવાર આંકડાકીય વિગતો તેની પોલ ખોલી નાખતી હોય છે. આવતીકાલે વર્લ્ડ ટુરિઝમ ડેનો દિવસ છે ત્યારે દેશભરમાં પ્રવાસન અંગેની જાહેર થયેલી વિગતો મુજબ પ્રવાસન ક્ષેત્રે દેશભરમાં તમિલનાડુ પ્રથમ ક્રમે છે જ્યારે પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવા સાથે તેના વિકાસ અને તે માટેના વિવિધ ઉત્સવો-આયોજનો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ગુજરાત છેક નવમા ક્રમે રહેવા પામ્યું છે. આવતીકાલે ૨૭ સપ્ટેમ્બરની ઉજવણી ‘વર્લ્ડ ટૂરિઝમ ડે’ તરીકે કરવામાં આવનાર છે ત્યારે ગુજરાતમાં ઓછા પ્રવાસીઓનો આંકડો ચિંતાજનક છે. સામાન્ય રીતે વધુ સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે કોઇ એક રાજ્યમાં ઐતિહાસિક સ્થળો, ધાર્મિક મહાત્મ્ય, દરિયા કિનારો, રણપ્રદેશ, હિલસ્ટેશન જેવી લાક્ષણિક્તા હોવી જરૂરી છે. આ તમામ પ્રકારના આકર્ષણો ગુજરાતમાં મોજૂદ હોવા છતાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત પાછળ રહેવા પામ્યું છે. ગુજરાતમાં અનેક ખ્યાતનામ ધાર્મિક સ્થાન, સાપુતારા જેવું હિલસ્ટેશન, સફેદ રણ, ઐતિહાસિક મહત્વ ધરાવતા સાબરમતી આશ્રમ-લોથલ-ધોળાવીરા તેમજ ગીર અભયારણ્ય જેવા પ્રવાસીઓને આકર્ષે તેવા અનેક સ્થળ છે. તેમ છતાં વિદેશથી આવતા પ્રવાસીઓની બાબતમાં ગુજરાતની હાલત તેમાં વધારે કથળેલી છે. સૌથી વધુ વિદેશી પ્રવાસીઓને મામલે ડોમેસ્ટિક અને ફોરેન ટૂરિસ્ટ બંને મામલે તામિલનાડુ મોખરે છે. કેન્દ્ર સરકારને પ્રવાસન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ ૨૦૧૬માં ૩૪.૩૮ કરોડ ડોમેસ્ટિક અને ૪૭.૨૧ લાખ ફોરેન ટૂરિસ્ટે તામિલનાડુની મુલાકાત લીધી હતી. બીજી તરફ ગુજરાતમાં વર્ષ ૨૦૧૫ દરમિયાન કુલ ૩.૬૨ કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ફોરેન ટૂરિસ્ટ સૌથી વધુ મુલાકાત લેતા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ ૪૭.૨૧ લાખ સાથે ટોચના સ્થાને છે. આમ, દેશમાં કુલ જેટલા ફોરેન ટૂરિસ્ટ આવે છે તેમાંના ૧૯.૧% તામિલનાડુની મુલાકાત લેવાનું પસંદ કરે છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં ૩ લાખ ફોરેન ટૂરિસ્ટ દર વર્ષે આવતા હોય છે. ફોરેન ટૂરિસ્ટનું સૌથી વધુ આગમન થતું હોય તેવા દેશના ટોચના ૧૦ શહેરમાં અમદાવાદ ૧૦મા ક્રમે છે. વર્ષ ૨૦૧૬માં અમદાવાદમાં ૧.૯૪ લાખ વિદેશી પ્રવાસીઓએ આગમન કર્યું હતું. અલબત્ત, આ યાદીમાંથી એનઆરઆઇની બાદબાકી કરવામાં આવે તો વિદેશથી સીધા જ અમદાવાદ એરપોર્ટમાં આગમન કરતા ફોરેન ટૂરિસ્ટની સંખ્યા વધારે ઘટી જશે. આ યાદીમાં દિલ્હી ૨૬.૧૭ લાખ સાથે ટોચના સ્થાને છે.