મુંબઇ,તા.૧૫
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આવતી ૩૦ મેથી ૧૪ જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ૧૫-સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ત્રણ ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરો સાથે વિશ્વ કપમાં જશે. વિજય શંકર અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અંબાતી રાયડૂ અને રિષભ પંતનું પત્તનું કપાયું છે. પંતના સ્થાને દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન મળ્યું છે.
આ સાથે વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં ૩ ગુજરાતના ખેલાડીઓને પણ તક મળી છે. રવિન્દ્ર જાહેજા, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહની વર્લ્ડ કપમાં ભારત ક્રિકેટ ટીમ માટે પસંદગી કરવામાં આવી છે.
એમએસકે પ્રસાદે જણાવ્યું કે, ટીમને એક નિષ્ણાંત વિકેટકીપરની જરૂર છે. તેવામાં અમે રિષભ પંત અને દિનેશ કાર્તિકની ચર્ચા કરી હતી અંતે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રિષભ પંત એક આક્રમક બેટ્‌સમેન છે, પરંતુ તે સારી શરૂઆત કર્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દે છે. તે મેચ ફિનિશ કરવામાં અસફળ રહ્યો છે. આ વાત તેની વિરુદ્ધ ગઈ છે. ત્યારે દિનેશ કાર્તિક પાસે પંત કરતા સારો અનુભવ છે. તે ચોથા સ્થાને બેટિંગ પણ કરી શકે છે. આથી પસંદગી સમિતિએ તેના પર વિશ્વાસ મુક્યો છે.
ભારતે પહેલી વાર ૧૯૮૩માં કપિલ દેવની કેપ્ટનશિપમાં વિશ્વકપ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે બીજી વાર ૨૦૧૧માં પોતાની મેજબાનીમાં આ પુરસ્કાર પોતાને નામ કર્યો હતો.
ભારતીય ટીમે વર્લ્ડ કપ શરૂ થયા પહેલા બે પ્રેકટીસ મેચ રમવાની છે. જ્યારે આ મેચ ૨૫મી મે એ ન્યૂઝીલેન્ડ અને ૨૮ મે એ બાંગ્લાદેશની સામે રમવાની છે.જ્યારે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ૫ મી જૂનના રોજ પહેલી મેચ રમવાની છે.
આ ૭ ખેલાડીઓ પહેલા વિશ્વ કપમાં રમી ચુક્યા છે
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, એમએસ ધોની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા.
આ ૮ ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વ કપ
કેએલ રાહુલ, વિજય શંકર, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ.

૧૫-સભ્યોની ટીમ
૧. વિરાટ કોહલી (કેપ્ટન)
૨. રોહિત શર્મા (વાઈસ કેપ્ટન)
૩. શિખર ધવન
૪. કે.એલ. રાહુલ
૫. વિજય શંકર
૬. મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર)
૭. કેદાર જાધવ
૮. દિનેશ કાર્તિક
૯. યુઝવેન્દ્ર ચહલ
૧૦. કુલદીપ યાદવ
૧૧. ભૂવનેશ્વર કુમાર
૧૨. જસપ્રીત બુમરાહ
૧૩. હાર્દિક પંડ્યા
૧૪. રવિન્દ્ર જાડેજા
૧૫. મોહમ્મદ શમી.

ભારતીય ટીમનું વર્લ્ડ કપનું શિડ્યુલ
જૂન ૫ઃ ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
જૂન ૯ઃ ભારત વિરૂદ્ધ ઑસ્ટ્રેલિયા
૧૩ જૂનઃ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
જૂન ૧૬ઃ ભારત વિરુદ્ધ પાકિસ્તાન
૨૨ જૂનઃ ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
૨૭ જૂનઃ ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ
જૂન ૩૦ઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
જુલાઈ ૨ઃ ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ
જુલાઈ ૬ઃ ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ
જ્યારે વર્લ્ડકપ ૨૦૧૯ ની ફાઈનલ મેચ લોડ્‌ર્સ ખાતે જુલાઈ ૧૪ ના રોજ રમાશે.

૧૬ જૂને ટકરાશે ભારત-પાક
કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જૂને માનચેસ્ટરમાં મેચ રમાશે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૧૭ના ફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ પરાજય મેળવ્યા બાદ ૨ વર્ષ પછી ભારતની પાસે પાકિસ્તાન વિરુદ્ધ બદલો લેવાની તક હશે. વર્ષ ૨૦૧૫ની સેમીફાઇનલિસ્ટ ટીમ ઈન્ડિયા આ વખતે વિરાટની આગેવાનીમાં વિશ્વ કપ રમશે.

ભારતીય ટીમ વિષે

બેટ્‌સમેનઃ ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી રોહિત શર્મા અને શિખર ધવન ઉપર રહેશે. ૨૦૧૩ની ચેમ્પિયન્સ ટ્રોફીથી રોહિત અને શિખરે ૧૦૧ વાર ભારત માટે ઓપનિંગ કરતા ૪૫.૪૧ની એવરેજથી ૪૫૪૧ રન કર્યા છે. બંનેએ આ દરમિયાન ૧૫ સદી અને ૧૩ અર્ધસદીની ભાગીદારી નોંધાવી છે. બેકઅપ ઓપનર તરીકે ટીમ સાથે લોકેશ રાહુલ જોડાયો છે. શિખર અથવા રોહિતને ઇજા થાય તો રાહુલ ટીમ માટે ઓપનિંગ કરશે. વિરાટ કોહલી, વિજય શંકર અને એમએસ ધોની મિડલ ઓર્ડરની જવાબદારી ઉપાડશે. કોહલી અને ધોની ઇનિંગ્સને સેટ કરવામાં અને તેમજ ટાર્ગેટ ચેઝ કરવામાં મહારત ધરાવે છે તો શંકરે બહુ ઓછા સમયમાં પોતાની કુશળતા સાબિત કરતા બતાવ્યું છે કે તે ટીમની જરૂરિયાત પ્રમાણે પોતાને ઢાળી શકે છે. ઇંગ્લેન્ડની ફ્લેટ વિકેટ પર ભારતીય મિડલ ઓર્ડર ૨૧થી ૪૦ ઓવર દરમિયાન કેવું રમે છે તેના પર લગભગ મેચોનું પરિણામ નક્કી થશે.
ઓલરાઉન્ડર્સઃ કેદાર જાધવ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઉપર બેટ અને બોલ બંને વડે યોગદાન આપવાની જવાબદારી રહેશે. જાડેજાની ટીમમાં પસંદગી તેની બેટિંગ અને બોલિંગ સાથે તેની અદભુત ફિલ્ડિંગના કારણે પણ થઈ છે. તેણે અવારનવાર પોતાની ફિલ્ડિંગ થકી ટીમનો જુસ્સો વધાર્યો છે. કેદાર અને પંડ્યાને ડેથ ઓવર્સમાં કમરકસીને બેટિંગ પણ કરવી પડશે. વિરાટ છેલ્લા કેટલાક મહિનાથી કહેતો આવ્યો છે કે ઇનિંગ્સને સારું ફિનિશ મળે તો મોમેન્ટમ આપોઆપ બદલાઈ જાય છે.
ફાસ્ટ બોલર્સઃ ક્રિકેટની બેઝિક ફિલોસોફી છે કે બેટ્‌સમેન તમને મેચો જીતાડી શકે છે પરંતુ બોલર્સ જ તમને ટુર્નામેન્ટ જીતાડે છે. છેલ્લા ૧ વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં લઇએ તો જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટીમના મુખ્ય બે ફાસ્ટ બોલર છે. બુમરાહ અત્યારે વર્લ્ડનો શ્રેષ્ઠ ડેથ બોલર તો છે, તેમજ શમીએ પણ તાજેતરમાં અંતિમ ઓવર્સમાં પોતાની બોલિંગ સુધારી છે. ત્રીજા પેસરના વિકલ્પ તરીકે ભુવનેશ્વર કુમાર ટીમ સાથે જોડાયો છે.
સ્પિનર્સઃ મિડલ ઓવર્સમાં વિરોધી ટીમના રન પર અંકુશ લગાવો એટલે અર્ધી મેચ તમે જીતી જાઓ છો અને ૨૦૧૭ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલની જોડી નિયમિત અંતરે મિડલ ઓવર્સમાં વિકેટ લઈને તેવું કરતી આવી છે. ટીમ બધી મેચમાં ૨ લેગસ્પિનર સાથે ઉતરે તેવું જરૂરી નથી, તેવામાં અમુક મેચોમાં પ્લેઈંગ ૧૧માં રમવા માટે ચહલ/જાડેજા વચ્ચે સીધી સ્પર્ધા થઇ શકે છે.