લંડન, તા.૧૫
ભલે ઈંગ્લેન્ડ વિશ્વ ચેમ્પિયન બની ગયું હોય પણ આ મેચમાં અમ્પાયરના એક મોટા નિર્ણય ઉપર વિવાદ શરૂ થઈ ગયો છે. અમ્પાયર ધર્મસેનાની આ ભૂલ એટલી ભારે પડી કે ન્યૂઝીલેન્ડનું પોતાના પ્રથમ ટાઈટલથી દૂર રહી ગયું, બોલ્ટને અંતિમ ઓવરમાં ૧પ રન બચાવવાનો પડકાર મળ્યો હતો. આ સ્થિતિમાં સ્ટોક્સે ત્રીજા બોલે સિક્સર ફટકારી બોલ્ટના ચોથા બોલે સ્ટોક્સે બે રન લીધા પણ મીડવિકેટ તરફથી વિકેટકીપર તરફ ફેંકાયેલો ગુપ્ટીલનો થ્રો સ્ટોક્સના બેટને ટકરાઈને ચાર રન માટે બાઉન્ડ્રી લાઈનની બહાર જતો રહ્યો અને ઈંગ્લેન્ડને આ બોલે ૬ રન મળી ગયા. આ થ્રો ઉપર મળેલા ૬ રનથી વિવાદ શરૂ થઈ ગયો છે. સ્પોટ્‌ર્સ વેબસાઈટ ક્રિકેઈન્ફો અનુસાર ઈંગ્લેન્ડને પાંચ રન મળવા જોઈતા હતા. ધર્મસેનાના આ નિર્ણયને પૂર્વ અમ્પાયર સાઈમન ટોફેલે ખોટો ગણાવ્યો છે. ટોફેલે કહ્યું કે, આ એક સ્પષ્ટ ભૂલ હતી તે બોલે ૬ નહીં પણ પાંચ રન આપવા જોઈતા હતા. આ નિર્ણય લેવામાં ઘણી મોટી ભૂલ થઈ છે. ધર્મસેનાએ આ વાત ઉપર ધ્યાન રાખ્યું નહીં કે બેટ્‌સમેને ક્રોસ કર્યું ન હતું, જ્યારે થ્રો થયો હતો. ટીવી રીપ્લેમાં આ સ્પષ્ટ દેખાતું હતું. આઈસીસીના ૧૯.૮ નિયમ અનુસાર ફિલ્ડરના હાથમાંથી બોલ થ્રો થયા પહેલાં બેટ્‌સમેન જો એક-બીજાને ક્રોસ કરી ચૂકયા હોય અને બોલ કોઈ કારણોસર બાઉન્ડ્રીની બહાર જાય તો તે રન પૂરો માનવામાં આવશે, પણ જો એવું ના થાય તો રન અધૂરો જ માનવામાં આવશે. આ કારણે અમ્પાયરીંગ પર સવાલ ઉઠી રહ્યા છે.