બર્મિંઘમ,તા.૧૦
વન-ડેના ૧૨મા વર્લ્ડ કપમાં આજે બીજો સેમી ફાઇનલ મુકાબલો પાંચ વાર (૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭, ૨૦૧૫) ચૅમ્પિયન બની ચૂકેલા ઑસ્ટ્રેલિયા અને એક પણ વાર આ સર્વોચ્ચ સ્પર્ધાની ટ્રોફી ન જીતી શકનાર ઇંગ્લૅન્ડ વચ્ચે થશે.
ઑસ્ટ્રેલિયાની ટીમ શુક્રવાર સુધી પૉઇન્ટ્‌સ-ટેબલમાં નંબર વન હતી અને સેમી ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ પણ બની હતી, પરંતુ શનિવારે સાઉથ આફ્રિકા સામેની અંતિમ લીગ મૅચમાં એનો ૧૦ રનથી પરાજય થયો એ સાથે કાંગારુંઓની ટીમ પૉઇન્ટ્‌સ-ટેબલમાં બીજા નંબર પર ધકેલાઈ ગઈ હતી જેને કારણે એણે ત્રીજા નંબરના ઇંગ્લૅન્ડ સામે રમવાનો વખત આવ્યો છે. ટેસ્ટ-ક્રિકેટમાં કટ્ટર હરીફો ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની ઍશિઝ સિરીઝ લગભગ દર વર્ષે કે બે વર્ષે રમાતી હોય છે, પરંતુ ગુરુવારે એ જ બે હરીફ ટીમો વન-ડેના સેમી ફાઇનલ મુકાબલામાં જંગે ચઢશે.
અહીં ઉલ્લેખનીય છે કે વર્તમાન વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેનો એકમાત્ર લીગ મુકાબલો પચીસમી જૂને થયો હતો જેમાં કાંગારુંઓ ૬૪ રનથી જીતી ગયા હતા. કૅપ્ટન ઍરોન ફિન્ચ (૧૧૬ બૉલમાં ૧૦૦ રન) એમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. એ તો ઠીક, પણ વર્લ્ડ કપ પહેલાંની વૉર્મ-અપ મૅચમાં પણ ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને હરાવ્યું હતું.
આ વર્લ્ડ કપમાં ડેવિડ વૉર્નર (૬૩૪ રન) અને ફિન્ચ (૫૦૭ રન) ઑસ્ટ્રેલિયાના મુખ્ય બે બૅટિંગ-સ્ટાર છે. ઇંગ્લૅન્ડ વતી જૉ રૂટે ૫૦૦ તથા જૉની બેરસ્ટૉવે ૪૬૨ રન બનાવ્યા છે. કાંગારું બોલરોમાં મિચલ સ્ટાર્ક ૨૬ વિકેટ સાથે અને ઇંગ્લિશ બોલરોમાં જોફરા આર્ચર ૧૭ વિકેટ સાથે મોખરે છે.