(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ડબલ્યુપીઆઈ ફુગાવો એપ્રિલ મહિનામાં ૩.૧૮ ટકાથી વધીને મે મહિનામાં ૪.૪૩ ટકા થઇ ગયો છે. સરકાર દ્વારા આજે જારી કરવામાં આવેલા આ આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. મે ડબલ્યુપીએ ફ્યુઅલ અને પાવર ફુગાવો એપ્રિલમાં ૭.૮૫ ટકાની સામે ૧૧.૨૨ ટકા રહ્યો છે. શાકભાજીની કિંમતમાં વધારો અને અન્ય જુદા જુદા પરિબળોની અસર હેઠળ ડબલ્યુપીઆઈ ફુગાવો મે મહિનામાં ૧૪ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. હોલસેલ પ્રાઇઝ ઉપર આધારિત ફુગાવો ૧૪ મહિનાની ઉંચી સપાટીએ પહોંચવા માટે અન્ય કેટલાક કારણો છે. શાકભાજી ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થતાં તેની સીધી અસર ડબલ્યુપીઆઈ ફુગાવા ઉપર થઇ છે. આજે જારી કરવામાં આવેલા સરકારના આંકડા મુજબ ફુડ આર્ટીકલ માટેનો ફુગાવો મે ૨૦૧૮માં ૧.૬૦ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૦.૮૭ ટકા હતો. શાકભાજીમાં ફુગાવો મે મહિનામાં ૨.૫૧ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૦.૮૯ ટકા હતો. ફ્યુઅલ અને પાવરમાં પણ ફુગાવો ઉલ્લેખનીયરીતે વધી ગયો છે. વૈશ્વિક ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાના અનુસંધાનમાં સ્થાનિક ફ્યુઅલની કિંમતમાં વધારો થયો છે. બટાકાના ફુગાવામાં એપ્રિલમાં ૬૭.૭૪ ટકાની સામે ૮૧.૯૩ ટકા રહ્યો છે જ્યારે ફળફળાદીમાં ભાવ વધારો બે આંકડામાં રહ્યો છે અને આ ફુગાવો ૧૫.૪૦ ટકા નોંધાયો છે. કઠોળમાં ૨૧.૧૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. માર્ચ મહિના માટેનો ડબલ્યુપીઆઈ ફુગાવો ઓછો હતો. મેમાં ફુગાવો ૧૪ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો છે. અગાઉ માર્ચ ૨૦૧૭માં ડબલ્યુપીઆઈ ફુગાવો ૫.૧૧ ટકા રહ્યો હતો. આ નાણાંકીય વર્ષમાં તેની બીજી પોલિસી સમીક્ષામાં રિઝર્વ બેંકે આ મહિનાની શરૂઆતમાં વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો જે ચાર વર્ષના ગાળામાં સૌથી વધુ વધારો છે. આ સપ્તાહમાં જારી કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, રિટેલ ફુગાવો મે મહિનામાં ૪.૮૭ ટકા રહ્યો હતો જે ચાર મહિનાની ઉંચી સપાટી છે. ફળફળાદી, શાકભાજી, ફ્યુઅલની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો હતો. આરબીઆઈ દ્વારા રિટેલ ફુગાવાના આંકડાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
મોનિટરી પોલીસ નક્કી કરતી વેળા તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી જેમાં સ્થાનિક કિંમતમાં વધારો અને ક્રૂડની વધતી કિંમતોનો સમાવેશ થાય છે. ભારતમાં વર્તમાન ખાતાકીય ખાધનો આંકડો વધીને ૧૩ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ચોથા અને અંતિમ ત્રિમાસિક ગાળામાં જીડીપી અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો આંકડો જારી કરવામાં આવી ચુક્યો છે. સંપૂર્ણ નાણાંકીય વર્ષ માટે ડેફિસિટનો આંકડો જીડીપીના ૧.૯ ટકા થયો છે જે ૨૦૧૬-૧૭માં ૦.૬ ટકા હતો.