(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧૯
અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના મ્યુનિ. કાઉન્સિલર બદરૂદ્દીન શેખે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરી છે. જેમાં કેટલાક લોકો તેમને રાજકીય અને સામાજિક રીતે બદનામ કરવા ખોટા મેસેજ ફરતા કરી રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માગતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુપ્રિન્ટેન્ડન્ટના ઓફ પોલીસ સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન સેલમાં નોંધાવેલી ફરિયાદમાં બદરૂદ્દીન શેખે જણાવ્યું છે કે તેઓ રાજકીય અને સામાજિક આગેવાન હોવાથી અનેક જવાબદાર હોદ્દાઓ નિભાવી ચૂક્યા છે અને નિભાવે છે. ગતરોજ તા.૧૮-૧૦-ર૦૧૭ના રોજ તેમના મિત્ર યાસીન મંદોસરવાળાના મોબાઈલના વ્હોટ્‌સએપ એકાઉન્ટ ૯૮૯૮૯૭૬૩૧૧ નંબર ઉપરની એક મેસેજ આવ્યો હતો. જેમાં એક ઈમેજ હતી. આ ઈમેજમાં બદરૂદ્દીન શેખ અને શંકરસિંહ વાઘેલાનો જૂનો ફોટો મૂક્યો હતો આ ફોટાની ઉપર કોમ્પ્યુટર ગ્રાફીક્સ દ્વારા એડિટિંગ કરી ‘જમાલપુર કી ટિકિટ નહીં મીલી તો જન વિકલ્પ યે હી હમારા નારા હૈ’ એવું લખાણ લખેલું હતું. આ ફોટો મોકલવાનો આશય અમારી સમાજમાં તેમજ અમારા પક્ષમાં અમારી શાખ બગાડવા માટે તથા પક્ષમાં અમારી પ્રત્યે અવિશ્વાસ ઊભો કરવા એકમાત્ર ગુનાહિત બદઈરાદાથી મોકલેલ છે. આ ફોટાવાળી ઈમેજ યાસીન મંદોસરવાલાએ ગતસાંજે જ બદરૂદ્દીન શેખને જાણ કરવા ખાતર મોકલતા તેમને ધક્કો લાગ્યો હતો અને કોઈ તેમની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવા આવું કૃત્ય કર્યું હોવાનું જણાતા તેમણે સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન સેલમાં ફરિયાદ કરી તેની નકલ ગૃહવિભાગ, પોલીસ કમિશનર, જોઈન્ટ કમિશનર ક્રાઈમ બ્રાંચ તથા દાણીલીમડા પોલીસ સ્ટેશનને પાઠવી છે.