જામનગર, તા.૧પ
નિયત કરતા વધુ રેડીએશન ઓકી રહેલા મશીન દર્દીઓ માટે ઘાતક સાબિત થાય છે. ત્યારે તાજેતરમાં ભારત સરકારના એટોમિક વિભાગના અધિકારીઓ દ્વારા જામનગમાં કેટલાક દવાખાના, હોસ્પિટલમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમજ અમુક સ્થળે મશીન પણ સીલ કરવામાં આવ્યા હતાં.
ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ઓફ રેગ્યુલેટરી બોર્ડની એક ટૂકડી તાજેતરમાં જામનગર આવી હતી અને શહેરની કેટલીક હોસ્પિટલો, ડાયગોન્સ્ટીક સેન્ટરોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણથી ચાર ડોક્ટરોની હોસ્પિટલમાં એક્સ-રે મશીન વધુ રેડિએશન ફેલાવતા હોવાનું જણાતા તેમના મશીન સીલ કરવામાં આવ્યા હતાં.આ પછી ચેકીંગ ટૂકડી નવી દિલ્હી પરત ફરી હતી. જામનગરમાં ગુરુદ્વારા, વાલકેશ્વરી અને એસ.ટી. ડેપો માર્ગે આવેલી ત્રણ હોસ્પિટલના નામો જાણવા મળી રહ્યા છે. તેમના મશીનને સીલ કરવામાં આવ્યા છે, જો કે આ બાબત અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર થઈ નથી, પરંતુ સૂત્રોમાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે.