અમદાવાદ, તા.૨૫
અમદાવાદ શહેરમાં પાર્કિંગની વિકટ બનતી જતી સમસ્યાના નિવારણ માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ૧૪ રેલવે અને ફ્‌લાય ઓવરબ્રીજ નીચે પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવાની તૈયારી કરવામાં આવી છે. જેના માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. કોપોરેશન દ્વારા પાર્કિગ માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ બે કલાક માટે ટુ વ્હીલરના ૫ાંચ, ફોર વ્હીલરના ૧૫, મધ્યમ માલવાહક વાહન માટે રૂ.૫૦ અને ભારે માલવાહક વાહન માટે ૭૫ રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. શહેરના કુલ ૧૪ બ્રીજ નીચે કુલ ૬,૪૮૪ ટુ વ્હીલર અને ૭૬૩ ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૪ બ્રીજની નીચે રેવન્યુ શેરિંગ બેઝીઝના ધોરણે પે એન્ડ પાર્ક માટે ટેન્ડર બહાર પાડ્‌યા છે. ટેન્ડરની શરતો મુજબ પાર્કિંગની જગ્યા પર રાખવામાં આવતા કર્મચારીને ઓળખપત્ર આપવાનું રહેશે. પાર્કિંગની કુલ જગ્યામાંથી ૪૦ ટકા જગ્યા પાર્કિંગ રમીટ માટે ફાળવવાની રહેશે. તે જગ્યામાં પ્રવર્તમાન દરના ૧૨ કલાકના લેખે પાર્કિંગ પરમીટ આપવાની રહેશે. જે પણ વાહન પાર્ક કરવામાં આવે તે વાહનના ઇન્સ્યોરન્સની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે. વાહનમાં આગ લાગે કે ચોરી થાય તો તેની જવાબદારી કોન્ટ્રાકટરની રહેશે.

ક્યાં-ક્યાં બનશે પે એન્ડ પાર્ક

સ્થળ ટુ વ્હીલર ફોર વ્હીલર
સોલા રેલવે ઓવરબ્રીજ ૮૪ ૪૨
ગોતા રેલવે ઓવરબ્રીજ ૨૩૦ ૪૮
હેલ્મેટ ઓવરબ્રીજ ૨૪૦ ૨૮
આંબેડકર ઓવરબ્રીજ ૦ ૧૪
રાણીપ રેલવે ઓવરબ્રીજ ૩૧૦ ૧૧૧
ઈન્કમટેક્ષ ઓવરબ્રીજ ૮૫૨ ૧૫૬
એઇસી ફ્‌લાય ઓવરબ્રીજ ૫૭૦ ૧૦૫
ઠક્કરબાપાનગર ઓવરબ્રીજ ૫૦૦ ૦
બાપુનગર ઓવરબ્રીજ ૧૫૦૦ ૦
સીટીએમ ઓવરબ્રીજ ૪૭૬ ૨૫
ઇસનપુર ઓવરબ્રીજ ૧૯૦ ૧૭
ગુરુજી ઓવરબ્રીજ ૧૦૪ ૦
સોનીની ચાલી ઓવરબ્રીજ ૧૯૫ ૨૦
હાટકેશ્વર ઓવરબ્રીજ ૩૫૫ ૭૦
જશોદાનગર ઓવરબ્રીજ ૨૩૫ ૧૦
શિવરંજની ઓવરબ્રીજ ૬૪૩ ૧૧૭
કુલ ૬,૪૮૪ ૭૬૩